- 6E-5126/6087 મુંબઈ વડોદરા મુંબઈની ફલાઈટ રદ, લાંબા સમયથી થતા ટેક્નિકલ ધાંધિયાથી મુસાફરો પરેશાન
- વૈકલ્પિક વ્યવસ્થા અથવા સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે
વડોદરા એરપોર્ટ પર આવનાર મુંબઈની ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ આજે બુધવારે રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 કલાકે આવે છે, જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી છે. ફલાઇટ રદ થતા મુંબઈ જનાર પેસેન્જરને રિફંડ કે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
આજે બુધવારે સવારે 7.20 કલાકે વડોદરાના હરણી એરપોર્ટ પર આવનાર ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-5126/6087 મુંબઈ વડોદરા મુંબઈ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટ મુંબઈથી વડોદરા સવારે 7.20 કલાકે આવે છે અને પરત વડોદરાથી 7.50 કલાકે ઉડાન ભરે છે. જે ઓપરેશન રિઝનના કારણે રદ કરવામાં આવી હોવાની વિગતો હાલમાં સામે આવી છે.
મુંબઈ જનાર વડોદરાના મુસાફરોને અન્ય મુંબઈની ફલાઈટમાં અમદાવાદ કે વડોદરાથી મોકલાશે. આ સાથે મુસાફર ઈચ્છે તો તેઓને તેઓનું રિફંડ પણ આપવામાં આવી શકે છે. હાલમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે કે મુંબઈથી આવનાર ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરવામાં આવી છે અને આ અંગે મુસાફરોને જાણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે પણ ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ નંબર 6E-5131/5164 દિલ્હી વડોદરા દિલ્હી સમય કરતા બેથી અઢી કલાક લેટ પડી હતી. સાથે એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI 2881/2882 દિલ્હી વડોદરા દિલ્હી સમય કરતા 45થી એક કલાક સુધી મોડી પડતા મુસાફરો અટવાયા હતા. જ્યારે વડોદરાથી મુંબઈ જનાર ફ્લાઈટ નંબર 6E-5138 ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઇટ પણ અડધો કલાક લેટ પડી હતી. આમ છેલ્લા કેટલાક સમયથી ફલાઈટના સમય અને રદ થવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે જેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


