- બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કર્મચારી સાથે દિલ્હીનો ઠગ મિત્રતા કરી હોટેલમાં લઈ જઈ ચા પીવડાવી બેભાન કર્યો, સોનાનો પેન્ડલ મોબાઇલ અને રોકડ મળી 53 હજારની મતા લઈ નાસી ગયો
વડોદરા રેલવે સ્ટેશન પર બિહારના યુવાન સાથે અજાણ્યા શખ્સે મિત્રતા કેળવીને નશાકારક ચા પીવડાવી બેભાન કરી નાખ્યો હતો. ત્યારબાદ તેની પાસેથી સોનાનો પેન્ડલ મોબાઇલ અને રોકડ મળી રૂપિયા 53 હજારની મતા સામાન લઈ નાસી ગયો હતો. આ મામલે વડોદરા રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
બિહારમાં રહેતા નિતિષકુમાર અશોકકુમાર યાદવ હાલમાં સાવલી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ખાતે જે.સી.બી. ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગત તા.21 એપ્રિલના રોજ તેઓ પોતાના વતન જવા માટે વડોદરા રેલવે સ્ટેશન પર આવ્યા હતા. વહેલી સવારની ટ્રેન હોવાથી તેઓ સ્ટેશન બહાર ટ્રાફિક પોઈન્ટ પાસે બેસેલા હતા. ત્યારે એક અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો. તે શખ્સે પોતાનું નામ "જય તિવારી" હોવા સાથે દિલ્હીથી આવ્યો હોવાનું કહ્યું હતું અને ત્યારબાદ વાતચીત શરૂ કરી વિશ્વાસ જીત્યો હતો. બાદમાં જમવા જવાના બહાને નિતિષકુમારને સાથે લઈ ગયો અને રસ્તામાં રૂમ પર જઈને ફ્રેશ થવાનું કહી સમજાવી શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી ડીલક્સ નામની હોટેલમાં રૂમ નં.10માં લઈ ગયો હતો.
હોટેલમાં થોડો આરામ કર્યા બાદ બંનેએ બહાર જઈને ભોજન લીધું અને પરત રૂમમાં આવ્યા હતા. ત્યારબાદ આરોપીએ ચા પીવાની વાત કરી બહાર જઈ ચા લાવ્યો હતો. આ ચા પીતા જ નિતિષકુમારને ઊંઘ આવવા લાગી અને તે બેભાન થઈ ગયા હતા. વહેલી સવારે તેઓ બેહોશ હાલતમાં રેલવે સ્ટેશન પાસે મળ્યા હતા, જ્યાંથી એક વ્યક્તિએ તેમને પોલીસ સ્ટેશન પહોંચાડ્યા હતા. બાદમાં હોશમાં આવતા તેમણે તપાસ કરતા પોતાના ખિસ્સામાંથી મોબાઇલ રૂ.13 હજાર, રોકડ રૂ.5 હજાર અને ગળામાં પહેરેલું સોનાનું હનુમાનજી પેન્ડલ 35 હજારનું ગાયબ હોવાનું જણાયું હતું.
આ રીતે આરોપીએ જય તિવારીએ મિત્રતા કરી નશાકારક પદાર્થ પીવડાવીને રૂ.53 હજારનો સામાન ચોરી કરી ફરાર થઈ ગયો હતો. ભોગ બિહાર યુવાને હાલ સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી આરોપીની શોધખોળ શરૂ કરી છે.


