- જૂના પાડોશી મહેન્દ્રભાઇ સોનીએ મહિલા પાસેથી અલગ-અલગ 3 ચેકથી 10 લાખ લીધા હતા
વડોદરાના સમતા વિસ્તારમાં રહેતી વિધવા મહિલા પ્રેમીલાબેન ઉપાધ્યાયે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. તેમાં તેઓએ આરોપ મૂક્યો છે કે, તેમના જૂના પડોશી મહેન્દ્રભાઈ રમણલાલ સોનીએ તેમને વ્યવસાયમાં ભાગીદાર બનાવવાના બહાને 10 લાખ રૂપિયા પડાવી લીધા હતા અને છેતરપિંડી કરી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
સમતા વિસ્તારમાં રહેતા પ્રેમિલાબેને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ પ્રેમીલાબેન અગાઉ વડોદરાના સુલતાનપુરા ગોલવાડ લહેરીપુરા રોડ પર રહેતા હતા. તે સમયે મહેન્દ્રભાઈ સોની, જેઓ અંકુર મશીનરી સ્ટોર્સના માલિક છે અને હનુમાન ફળીયા ચાર રસ્તા, લહેરીપુરા ન્યુ રોડ પર રહે છે, તેમના પડોશમાં રહેતા હતા. બંને વચ્ચે ભાઈ-બહેન જેવા સંબંધો હતા. મહેન્દ્રભાઈ મશીનરી પાર્ટ્સનો વેપાર કરે છે અને તેઓ અવારનવાર પ્રેમીલાબેનના ઘરે આવતા-જતા રહેતા હતા.
5 જૂન, 2020ના રોજ તેમના પતિને હાર્ટ એટેક આવ્યો અને તેમનું અવસાન થયું હતું. ત્યારબાદ વર્ષ 2020માં તેઓ સમતા વિસ્તારમાં રહેવા ગયા હતા. આ સમયે મહેન્દ્રભાઈ તેમને અવારનવાર મળવા આવતા હતા અને વિધવા હોવાના કારણે તેમના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરતા હતા. તેઓ તેમને વિવિધ રોકાણની સ્કીમો સમજાવતા અને મહેન્દ્ર ભાઈ પૂછતા હતા કે, તમારી પાસે કેટલા પૈસા છે? હું તમને મારા વ્યવસાયમાં ભાગીદાર બનાવીશ અને આપણે સાથે મળીને ધંધો કરીશું.
તા. 2 ઓક્ટોબર, 2021ના રોજ મહેન્દ્રભાઈ તેમના ઘરે આવ્યા અને વ્યવસાયમાં ભાગીદાર બનાવવાનો વિશ્વાસ અપાવ્યો હતો. તેઓએ મહિલા પાસેથી અલગ-અલગ 3 ચેકથી 10 લાખ રૂપિયા લીધા હતા. ત્યારબાદ, તેઓએ આણંદમાં એક દુકાન ભાડે લીધી હતી, પરંતુ તેમાં કોઈ સામાન ભર્યો નહોતો અને દુકાન ખાલી જ રાખી હતી. પ્રેમીલાબેને ત્યાં બેસીને સમય વેડફ્યો હતો, પરંતુ મહેન્દ્ર ભાઈએ કોઈ વ્યવસાય શરૂ કર્યો નહોતો.
જ્યારે પ્રેમીલાબેને પોતાના પૈસા પરત માંગ્યા, ત્યારે મહેન્દ્રભાઈએ થોડા-થોડા કરીને પરત આપવાનું વચન આપ્યું. તા. 5 ફેબ્રુઆરી 2022ના રોજ તેઓએ એક કરાર કર્યો, જેમાં વ્યવસાયમાં ભાગીદારીની વાત હતી, પરંતુ તે કરારમાં કોઈ શરતો પાળવામાં આવી નહીં અને તેને નોટરી પણ કરાવવામાં આવી નહીં. ત્યારબાદ, મહેન્દ્રભાઈએ બેંક વ્યાજ જેટલી રકમ દર મહિને આપવાનું કહ્યું હતું અને થોડા-થોડા કરીને કુલ 1,80,000 રૂપિયા પરત આપ્યા હતા, પરંતુ 10 લાખની મુડી પરત કરી નથી. જેથી મહિલાએ આ મામલે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં મહેન્દ્રભાઈ રમણલાલ સોની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.


