- શાળાઓ, મંદિરો અને ઐતિહાસિક સ્થળ સહિત વિવિધ સ્થળોએ સફાઈ કરાશે
- પદયાત્રા અને સાયકલ યાત્રાથી જનજાગૃતિ લવાશે, સરકારી યોજના લાભાર્થીઓ સુધી પહોંચાડાશે
આગામી 8 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા આવશે, જેને લઈને તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, વિપક્ષના નેતા અને તમામ સંબંધિત અધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં VVIP વિઝિટની પૂર્વ તૈયારીઓ ઉપરાંત આગામી 7 દિવસ સુધી આખા શહેરમાં વ્યાપક સ્તરે સઘન સ્વચ્છતા અભિયાન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ સાત દિવસીય વિશેષ સ્વચ્છતા અભિયાન અંતર્ગત રોજબરોજના કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. જેની માહિતી આપતા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, અભિયાનના પ્રથમ દિવસે એટલે આવતીકાલે 1 સપ્ટેમ્બરે ઉત્તર અને અન્ય ઝોન અંતર્ગત કમલાનગર તળાવ તેમજ તેની આજુબાજુના માર્ગોની સાફ-સફાઈની કામગીરીમાં તમામ પદાધિકારીઓ, વડોદરા મનપાના ટીમ મેમ્બર્સ અને મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાશે. 2 સપ્ટેમ્બરે શહેરની તમામ આંગણવાડીઓ, શાળાઓ અને હોસ્પિટલોમાં વિશેષ સફાઈ તથા સેનિટાઈઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તો 3 ઓગસ્ટે મહાનગરપાલિકાની ટીમ દ્વારા ઐતિહાસિક ગોરવા વાવની વિશેષ સાફ-સફાઈ કરવાનું નક્કી કરાયું છે.
શહેરમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે 4 સપ્ટેમ્બરે માંજલપુર વિસ્તારમાં એક ભવ્ય સાયકલ યાત્રાનું આયોજન સવારના સમયે કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા સાયકલ એસોસિએશનના આશરે એક હજાર સભ્ય જોડાઈને સ્વચ્છતાનો વિશેષ સંદેશ જન-જન સુધી પહોંચાડશે. 5 સપ્ટેમ્બરે ગોત્રી તળાવ અને તેની આસપાસના પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાશે. 6 સપ્ટેમ્બરે શહેરના નામાંકિત મંદિરો અને તેના પરિસરો અને તેની આસપાસના વિસ્તારોને સ્વચ્છ બનાવવામાં આવશે. ત્યારબાદ 7 સપ્ટેમ્બરે અંદાજે 3થી 4 હજાર નાગરિકોની ઉપસ્થિતિમાં એક વિશાળ પદયાત્રા કાઢવામાં આવશે. જે સ્વચ્છતાના નારા સાથે આગળ વધશે. આ ઉપરાંત, આ સપ્તાહ દરમિયાન લોકલ આર્ટિસ્ટ્સને પ્રોત્સાહન આપીને ભજન ક્લબિંગ કે ડાયરાના માધ્યમથી સ્વચ્છતા પર વિશેષ ભાર મુકવાનો અનોખો અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે.
સ્વચ્છતાની સાથે-સાથે જનકલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે ચારેય ઝોનમાં અને વોર્ડવાઈઝ સેવા સેતુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુમાં સમાજ સુરક્ષા અને કલ્યાણ નિગમની ગરીબો માટેની સહાય, વડીલો માટેની યોજનાઓ, આયુષ્માન ભારત યોજના, તેમજ સગર્ભા માતાઓ, વૃદ્ધ માતાઓ અને યુવાનો માટેની કેન્દ્ર તથા રાજ્ય સરકાર અને VMC પ્રાયોજિત તમામ સ્પોન્સર્ડ યોજનાઓ સેચ્યુરેશન એપ્રોચના ધોરણે એક જ છત્ર હેઠળ પૂરી પાડવામાં આવશે.
અભિયાનના અંતિમ ચરણમાં એટલે કે 8 સપ્ટેમ્બરે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ના પેવેલિયન ગ્રાઉન્ડમાં ભારત સરકાર, ગુજરાત સરકાર અને વડોદરા મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે એક ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ 'ઓન ઈન્વાઈટ અને ઓન રજીસ્ટ્રેશન ઓન્લી' ધોરણે યોજાશે, જેમાં વિવિધ વિભાગોના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની થીમ પર વિશેષ કામગીરી પ્રદર્શિત થશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તમામ આયોજનોને અમલમાં મૂકવા ફિલ્ડ લેવલની કામગીરી 1 સપ્ટેમ્બરથી જ આરંભ કરી દેવામાં આવશે અને ટીમો ફિલ્ડ વિઝિટ માટે રવાના થશે. માત્ર તંત્ર જ નહીં પરંતુ આ સફાઈ અભિયાનમાં ખાનગી NGO અને જાહેર જનતાને પણ ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું છે, જેથી સહિયારા પ્રયાસોથી વડોદરાને સ્વચ્છ અને સુંદર બનાવીને વડાપ્રધાનના સ્વાગત માટે અદભૂત માહોલ ઊભો કરી શકાય.


