- બેફામ સ્પીડે આવી રહેલી ફોર વ્હીલર કારના ચાલકે ચાલતા જતાં વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી
- કારે ટક્કર મારી હતી તેમાં વિદેશી લોકો સવાર હતા, ઘટના સીસીવીટીમાં કેદ
વડોદરા શહેરના આજવા રોડ પર વધુ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેફામ સ્પીડે આવી રહેલી ફોર વ્હીલર કારના ચાલકે ચાલતા જઈ રહેલા એક વૃદ્ધાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાના કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, આ અકસ્માતના ભયાનક સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જે કારે ટક્કર મારી હતી તેમાં વિદેશી લોકો સવાર હતા.
ગઇકાલે(31 મે) વહેલી સવારે આજવા રોડ પર આવેલી નવી વસાહત પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક કાર ચાલક બેફામ સ્પીડે આવી વૃદ્ધાને અડફેટે લેતા વૃદ્ધા ફંગોળાઈ જમીન પર પટકાય છે જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનામાં વૃદ્ધાનું ગંભીર ઈજાઓને કારણે કરૂણ મોત નીપજે છે. આ સમગ્ર ઘટના સવારે 6.32 કલાકે બને છે. વૃદ્ધાને કાર ચાલક ત્રણ સેકન્ડમાં જ બેફામ સ્પીડે આવી ઉડાવે છે તે સ્પષ્ટ સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે. અકસ્માત બાદ કાર ચાલક અને કેટલીક યુવતીઓ દેખાય છે. સાથે લોકોના ટોળે ટોળા એકઠા થઈ જાય છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આજવા રોડ પર આવેલી નવી વસાહત ખાતે રહેતા દીલીપભાઈ મોહનભાઈ ભાલીયા (ઉં.વ. 47, ધંધો-ડ્રાઈવીંગ) એ આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સવારના સમયે માતા શારદાબેન મોહનભાઈ ભાલીયા (ઉં.વ. આશરે 65) આજવા રોડ પર આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસેથી પગપાળા પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે એક સફેદ કલરની ફોર વ્હીલર કાર પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવીને શારદાબેનને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે શારદાબેન રોડ પર પટકાયા હતા અને તેમને માથા તેમજ પગના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર અકસ્માત અંગે બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોધવામાં આવી છે. આ બનાવને લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


