- બનાવ અંગે મકરપુરા પોલીસે રિક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરના તરસાલી રોડ ખાતે આજે સવારે સાઇકલ ઉપર જઇ રહેલા વૃદ્ધને ઓટો રિક્ષા ચાલકે અડફેટે લેતાં તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. મૃતક ચર્ચમાં જતો હતો. મકરપુરા પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે.

મળેલી માહિતી પ્રમાણે શહેરના તરસાલી-સુસેન રોડ ઉપર આવેલી આનંદ સોસાયટીમાં રહેતા જોસેફ વર્ગીસ (ઉ.વ. 73) આજે સવારે સાઇકલ લઇને નજીકમાં આવેલ ચર્ચમાં જતા હતા. આ દરમિયાન પસાર થઇ રહેલા ઓટો રિક્ષા ચાલકે તેઓને અડફેટમાં લેતાં ગંભીર રીતે ઇજા પહોંચી હતી.

આ ઘટના બનતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તને હોસ્પિટલમાં લઇ જવાની તૈયારી કરી હતી. પરંતુ, તેઓને હોસ્પિટલમાં લઇ જવામાં આવે તે પહેલાં તેઓનું મોત નિપજ્યું હતું. દરમિયાન આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં તુરતજ સ્થળ ઉપર આવી પહોંચી હતી. અને મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજી બાજુ આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. જ્યાં પરિવારજનોના રોકકળે ગમગીની ફેલાવી દીધી હતી. આ બનાવ અંગે મકરપુરા પોલીસે રિક્ષા ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.


