પાસપોર્ટ, વિઝા-હોટલ બુકિંગનો વ્યવસાય કરતા યુવક સાથે એજન્ટે 20.81 લાખની ઠગાઇ કરી

મૂળ ગાંધીધામના હાલ માંજલપુર રહેતા અમિતકુમારની માંજલપુર પોલીસમાં એજન્ટ વિરુદ્ધ ફરિયાદ

MailVadodara.com - An-agent-cheated-a-young-man-of-20-81-lakhs-doing-passport-visa-and-hotel-booking-business

- અમિતકુમારે એજન્ટ હર્ષદ બ્રહ્મભટ્ટને 21 યુવક-યુવતીઓની યુ.કે. વર્ક પરમિટ વિઝા માટે પ્રોફાઇલ મોકલતા એજન્ટે એક વ્યક્તિના 7.5 લાખ લેખે 21 લોકોના 1.57 કરોડનો ખર્ચ નક્કી કર્યો હતો

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને પાસપોર્ટ, વિઝા તથા હોટલ બુકિંગનો વ્યવસાય કરતા અમિતકુમાર વિજયભાઈ ગુલરાજાની સાથે રૂ. 20.81 લાખની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. મૂળ ગાંધીધામના અને હાલ માંજલપુરની માતૃપુરમ સોસાયટીમાં રહેતા અમિતકુમારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં હર્ષદ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ નામના એજન્ટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમિતકુમારે ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ 2014થી યુનિટોટ ઇન્ટરનેશનલ નામે પાસપોર્ટ, વિઝા અને હોટલ બુકિંગનો વ્યવસાય કરે છે. વર્ષ 2022માં ફેસબુક દ્વારા તેમનો સંપર્ક હર્ષદ બ્રહ્મભટ્ટ સાથે થયો હતો. હર્ષદે દાવો કર્યો હતો કે, તેમની યુ.કે.માં એક કંપની સાથે ઓળખાણ છે અને તેઓ યુ.કે.ના વર્ક પરમિટ વિઝા કઢાવી શકે છે. અમિતકુમારે હર્ષદને 21 યુવક-યુવતીઓની યુ.કે. વર્ક પરમિટ વિઝા માટેની પ્રોફાઇલ મોકલી હતી. હર્ષદે એક વ્યક્તિના વિઝા માટે રૂ. 7.5 લાખ એટલે કે કુલ 21 લોકોના રૂ. 1.57 કરોડનો ખર્ચ નક્કી કર્યો હતો.

અમિતકુમારે અને તેમની પત્ની નેહાએ ઓનલાઇન ટ્રાન્સફર દ્વારા હર્ષદના ખાતામાં રૂ. 20.81 લાખ ચૂકવ્યા હતા. જોકે, હર્ષદે માત્ર 12 યુવક-યુવતીઓના સર્ટિફિકેટ ઓફ સ્પોન્સરશીપ (COS) આપ્યા અને બાકીની પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવ્યું હતું. વર્ષ 2023માં અમદાવાદના VFS ખાતે ફાઇલ સબમિટ કરવા માટે અમિતકુમાર અને નેહાને બોલાવવામાં આવ્યા, પરંતુ હર્ષદ ત્યાં હાજર રહ્યા નહીં અને ફોન પર નવી તારીખ આપવાનું કહ્યું હતું. આ પછી પણ હર્ષદે વિઝાની પ્રક્રિયા પૂર્ણ ન કરી, ફોન ઉપાડવાનું બંધ કર્યું અને તેમના જણાવેલા સરનામે પણ મળ્યા નહીં.

અમિતકુમારનો આરોપ છે કે, હર્ષદે યુ.કે. વર્ક પરમિટ વિઝા કઢાવવાનો ખોટો ભરોસો આપી, તેમની અને તેમની પત્ની પાસેથી રૂ. 20.81 લાખ પડાવી લઈ છેતરપિંડી આચરી છે. માંજલપુર પોલીસે હર્ષદ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments