વડોદરા શહેરમાં પડેલા તમામ ખાડા પુરી દેવામાં આવ્યા હોવાના દાવા વચ્ચે મ્યુનિસિપલ કમિશનરે નિરીક્ષણ કર્યું

ચાલુ ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓનું મોટાપાયે ધોવાણ, ડગલેને પગલે ખાડાઓ પડી ગયા

MailVadodara.com - Amid-claims-that-all-potholes-in-Vadodara-city-have-been-filled-Municipal-Commissioner-inspects

- વડોદરામાં એક જ જગ્યાએ વારંવાર ખાડાઓ ન પડે તે માટે પાલિકા દ્વારા રોડ કટીંગ કરી ખાડા પૂરવાનું શરૂ, કલેક્ટરે આગામી ત્રણ દિવસમાં ખાડા પૂરવાની સૂચના આપી

- પાલિકાના અધિકારીઓ દ્વારા શહેરના તમામ ખાડા પુરી દેવાયાં હોવાનો દાવો કરાયો હતો

વડોદરા શહેરમાં પ્રવર્તમાન ચોમાસા દરમિયાન શહેરના રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે. ડગલેને પગલે ખાડાઓ પડી ગયા છે. તંત્ર દ્વારા ખાડાઓ પૂરવાની કામગીરી પણ કરવામાં આવે છે. પરંતુ, સામાન્ય વરસાદમા પુનઃ જેતે જગ્યાએ ખાડા પડી જતાં હતાં. એક જ જગ્યાએ વારંવાર ખાડાઓ ન પડે તે માટે પાલિકા દ્વારા રોડ કટીંગ કરી ખાડા પૂરવાની શરૂઆત કરવામાં આવી છે. જે માટે પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આ કામગીરીનું નિરીક્ષણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ ખુદ રસ્તા પર ઉતર્યા હતા.


ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા શહેરના તમામ ખાડા પુરી દેવામાં આવ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મંગળવારે મ્યુનિસિપલ કોર્પોરેશનની અધ્યક્ષતામાં મળેલી સમિક્ષા બેઠકમાં કમિશનર અરુણ મહેશ બાબુએ આગામી ત્રણ દિવસમાં શહેરના તમામ ખાડા પુરી દેવા કડક સૂચના આપી હતી. જોકે, અધિકારીઓની કામગીરીમાં ભરોસો ન રાખતા આજે મ્યુનિસિપલ કમિશન આજે તેઓ રસ્તા પર ખાડા પુરાવાની ચાલી રહેલી કામગીરી સ્થળે પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. જોકે, અત્યાર સુધી ખાડામાં માત્ર ડામર નાખી રોલર ફેરવી દેવામાં આવતું હતું. હવે ખાડા અને પેચવર્ક કરવા માટે રોડ કટીંગ કરી ખાડા અને પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.


મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, ચોમાસા દરમિયાન રસ્તા પર ખાડા પડ્યાં હોવાથી જેટ મશીનની મદદથી ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે. જેથી રસ્તા પરથી પસાર થતા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો ન કરવો પડે અને વહેલી તકે પેચવર્કની કામગીરી સારી રીતે પૂર્ણ કરવામાં આવે છે. આજે શહેરના માંજલપુર વિસ્તારમાં ચાલી રહેલા પેચવર્કની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આજ રીતે અન્ય ઝોનમાં પણ જેટ મશીન થકી ખાડાઓનું પેચવર્ક કામ ઝડપી કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, પાલિકાએ ચોમાસામાં ખરબા થયેલા રોડ પર સમારકામ કરવા 19 વોર્ડની એન્જિનિયરિંગ ટીમો કામે લગાડી છે. જેમાં દાવો કરાયો છે કે, ઉત્તર ઝોનના 1303, પૂર્વ ઝોનના 1726, પશ્ચિમ ઝોનના 1509 અને દક્ષિણ ઝોનમાં 976 મળી કુલલ 5514 ખાડા શોધાયા છે. જેના પુરાણ માટે હોટ મિક્ષ પ્લાન્ટ પરથી 17,128 મેટ્રિક ટન હોટ મિક્ષ નખાયું છે. એક મેટ્રિક ટનના 2500નો ખર્ચ થાય છે ત્યારે ખાડા પૂરવામાં 4.28 કરોડ ખર્ય થયો છે. 2128 મેટ્રિક ટન વેટ મિક્ષનો ઉપયોગ થયો છે.

Share :

Leave a Comments