- ફાયર સેફ્ટીનાં સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાનો અને કર્મચારીઓને સેફ્ટી શૂઝ પણ આપવામાં આવ્યાં ન હોવાના પણ આક્ષેપ
વડોદરા શહેરમાં એક તરફ ડેન્ગ્યુના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બીજી તરફ નાગરિકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડતી ભાયલી-સેવાસી પાણીની ટાંકીની જાળવણી સામે સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ પાણીની ટાંકીની મુલાકાત લઈને અનેક ક્ષતિઓ હોવાનો આક્ષેપ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ, ટાંકીમાં છેલ્લા 8 મહિનાથી એક જ લેવલ પર પાણી રાખવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ફાયર સેફ્ટીનાં સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોવા છતાં તેનો ઉપયોગ થતો હોવાનો અને કર્મચારીઓને સેફ્ટી શૂઝ પણ આપવામાં આવ્યાં ન હોવાના પણ આક્ષેપ થયા છે.

વડોદરા શહેરના નાગરિકોને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં પાણીની ટાંકીઓ બનાવવામાં આવી છે. જોકે, ભાયલી-સેવાસી વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની જાળવણી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને હવે સવાલો ઊભા થયા છે. વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયાએ પાણીની ટાંકીની મુલાકાત લીધી હતી. તેમના જણાવ્યા મુજબ, ટાંકીમાં લાંબા સમયથી એક જ લેવલ પર પાણી જાળવી રાખવામાં આવતું હોવાની બાબત કેમેરામાં કેદ થઈ છે.
હાર્દિક આમોદિયાના આક્ષેપ મુજબ, ટાંકીમાં કામ કરતા કર્મચારીઓને પાણીના લેવલ અંગે પૂછવામાં આવતાં કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા 8 મહિનાથી એક જ લેવલ પર પાણી રાખવાની સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે ઋતુ અને પાણીની જરૂરિયાત મુજબ પાણીના સંચાલનમાં ફેરફાર થતો હોય છે, ત્યારે લાંબા સમયથી એક જ લેવલ જાળવવા પાછળનું કારણ શું છે, તે અંગે તપાસ કરવાની જરૂર હોવાનું તેમણે જણાવ્યું હતું. આ વ્યવસ્થાને કારણે નાગરિકોના આરોગ્ય સામે જોખમ ઊભું થતું હોવાની પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.
બીજી તરફ, પાણીની ટાંકીમાં ફાયર સેફ્ટીની વ્યવસ્થાને લઈને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ત્યાં રાખવામાં આવેલા ફાયર સેફ્ટીનાં સાધનોની એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોવાનું જોવા મળ્યું હતું. આ ઉપરાંત, ટાંકીમાં કામ કરતા કર્મચારીઓને કોન્ટ્રાક્ટર દ્વારા સેફ્ટી શૂઝ જેવી જરૂરી સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એક તરફ મહાનગરપાલિકા ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરાવવા માટે કાર્યવાહી કરતી હોય છે, ત્યારે તેના જ કાર્યક્ષેત્રમાં આવતી પાણીની ટાંકીમાં આવી સ્થિતિ હોવાના આક્ષેપોને પગલે તંત્રની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. આ સમગ્ર મામલે હાર્દિક આમોદિયાએ મહાનગરપાલિકા સમક્ષ જવાબદાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની તેમજ જવાબદાર ઇજનેર સામે સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવાની માગ કરી છે. પાણીની ટાંકીમાં પાણીના લેવલનું સંચાલન, ફાયર સેફ્ટીનાં સાધનોની સ્થિતિ અને કર્મચારીઓની સુરક્ષા સહિતના મુદ્દાઓની યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માગ પણ ઉઠી છે.


