- વિશ્વાસ કોલોનીના ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સના ધાબા પર દારૂની મહેફિલ ઝડપાઈ
- પોલીસે સ્થળ પરથી દારૂની બોટલો, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા આઠ પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કર્યા
વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં દારૂની મહેફિલ પર અકોટા પોલીસે અચાનક રેડ કરી કાયદાનો દંડો ઉગામ્યો છે. અલકાપુરીની વિશ્વાસ કોલોનીમાં આવેલા ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સના ધાબા પર ચાલી રહેલી દારૂ પાર્ટી પર પોલીસે દરોડો પાડતાં નશો કરનાર નબીરાઓમાં અફરાતફરી મચી ગઈ હતી. પોલીસને જોઈને દારૂનો નશો પણ ઉતરી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ અકોટા પોલીસની ટીમ રાત્રી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન રાત્રે ૧૧.૫૧ વાગ્યે કંટ્રોલ રૂમમાંથી બાતમી મળી હતી કે ગોલ્ડ ક્રાફટ કોમ્પ્લેક્સના ધાબા પર કેટલાક શખ્સો ભેગા થઈ દારૂ પાર્ટી કરી રહ્યા છે. આ માહિતીના આધારે અકોટા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેડ કરી હતી.
પોલીસ ધાબા પર પહોંચતા ત્યાં આઠ શખ્સો ગોળ કુંડાળું વળી દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તમામને કસ્ટડીમાં લઈ સ્થળ પરથી દારૂની બોટલો, ચાખનાનો સામાન તેમજ દારૂ ભરેલા આઠ પ્લાસ્ટિકના ગ્લાસ કબ્જે કર્યા હતા.
આ રેડ દરમિયાન ઝડપાયેલા નબીરાઓમાં ભાવીક પ્રીતેશભાઈ ઉપાધ્યાય (રહે. દીવાળીપુરા, વડોદરા), મનોજ વાસુદેવ સાધુ (રહે. રાણીપ, અમદાવાદ), હરી વસંતભાઈ બારોટ (રહે. ભાયલી રોડ, વડોદરા), યામીન સલીમભાઈ શેખ (રહે. તાંદળજા, વડોદરા), અર્પીત રાજેશભાઈ ચીત્રે (રહે. તરસાલી, વડોદરા), અભિલાપ ઓમનારાયણ દિવેદી (રહે. વડસર, વડોદરા), આસીશ વિજયભાઈ ભોસલે (રહે. આજવા રોડ, વડોદરા) અને ચિરાગ સુજાનર્સિંગ રાઠવા (રહે. વાઘોડીયા, જી. વડોદરા)નો સમાવેશ થાય છે.
આ મામલે અકોટા પોલીસ દ્વારા તમામ આરોપીઓ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. શહેરમાં જાહેર સ્થળો તથા રહેણાંક વિસ્તારમાં દારૂ પાર્ટીઓ પર પોલીસની કડક નજર હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.


