- ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ચેઇન સ્નેચરને ઝડપ્યો, પેન્ટના ખીસ્સામાંથી તૂટેલી બે સોનાની ચેઇન મળી આવી, 4.25 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો
વડોદરાના સમા અને ખોડિયારનગર ખાતે મોપેડ પર બેસી જઇ રહેલી બે મહિલાઓના ગળામાં પહેરેલી સોનાની ચેઇન આંચકી તોડી લઇ જનાર રીઢા આરોપી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને બે સોનાની ચેઇન અને ચોરીની બાઇક પણ જપ્ત કરી છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને પેટ્રોલિંગ દરમિયાન માહિતી મળી હતી કે, અગાઉ ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો ઇસમ મોહસીન ઉર્ફે હાઇટ અંસારી (રહે.અમદાવાદ)ની વડોદરાના બાવામાનપુરા ખાતે સાસરીમાં ગયો છે, જેથી આ ઇસમ નંબર પ્લેટ વગરની બાઇક અને બે સોનાની ચેઇન વેચી નાંખવાની ફીરાકમાં પાણીગેટ આયુર્વેદીક કોલેજ રોડ ખાતે હાજર છે, તેવી માહિતી મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે તુરંત જ પાણીગેટ આયુર્વેદીક કોલેજ રોડ જઇને તપાસ કરી હતી.

સ્થળ પર નંબર પ્લેટ વગરની બાઇક સાથે એક ઇસમ હાજર હતો. જ્યાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને જોઇને બાઇક ચાલુ કરીને ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જેથી પોલીસે કોર્ડન કરીને મોહસીન ઉર્ફે હાઇટ રફીકભાઇ અંસારી (ઉ.32), (રહે. સંકલીતનગર, જુના કબ્રસ્તાન પાસે, જુહાપુરા વેજલપુર, અમદાવાદ)ની ઝડતી કરી હતી. આ દરમિયાન તેના પેન્ટના ખીસ્સામાંથી તૂટેલી બે સોનાની ચેઇન મળી આવી હતી. આ ઇસમની સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આ ઇસમે તેના સાગરીત સાથે મળી અમદાવાદના ફતેવાડી ખાતેથી બાઇકની ચોરી કરી હતી અને બન્ને જણા ચોરીની બાઇક સાથે વડોદરા આવ્યા હતા અને ચોરીની બાઇકમાં બન્ને આરોપી મહિલાના ગળામાંની સોનાની ચેઇનો સ્નેચિંગ કરવા માટે નિકળ્યા હતા અને 31 મેના રોજ ખોડીયારનગર ખાતે મોપેડ પર પાછળ બેસી જઇ રહેલી મહિલાના ગળામાંની સોનાની ચેઇન તોડીને ભાગી ગયા હતા
આ ઉપરાંત 5 જૂનના રોજ સમા માર્કેટ પાસેના રોડ પર મોપેડ લઇને જઇ રહેલ મહિલાના ગળામાંની સોનાની ચેઇન તોડીના ભાગી ગયા હતા. આ બન્ને સોનાની ચેઇન અને બાઇક મળીને 4.25 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. આરોપી ઇસમ આશરે દોઢ મહીના પહેલા અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશન હદમાં મારામારી કરીને હથિયારો સાથે ધમકી આપવા અંગેના ગુનામાં સંડોવાયેલો હતો અને આ ગુનાના કામે નાસતો ફરતો હતો.


