- નોકરી અપાવવાની લાલચ આપી રૂપિયા લીધાનો આક્ષેપ, નકલી દસ્તાવેજો આપ્યાની ફરિયાદ, રકમ પરત માંગતા ધમકી અપાયાનો આક્ષેપ, મિત્ર મારફતે કન્સલ્ટન્ટનો સંપર્ક થયો હતો
બેલારૂસ જવાની લાલચ આપીને અમદાવાદની એક મહિલા સાથે રૂ. 6,00,000ની મસમોટી ઠગાઈ આચરવામાં આવી હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. વડોદરાની એક કન્સલ્ટન્સી ફર્મના સંચાલક મહિલા અને તેમના પરિવારે ભેગા મળીને વિઝા અપાવવાના બહાને નાણાં પડાવી લીધા બાદ વિઝા ન આપી, છેલ્લે નાણાં પરત માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.
ફરિયાદની વિગતો અનુસાર, અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી જલનાથ સોસાયટીમાં આર્યાબેન વિરલભાઈ ઠાકોર (ઉ.વ. 43) વર્ષ 2025ના એપ્રિલ માસમાં તેમના મિત્ર રવિ ઉર્ફે દિવ્યેશ પટેલ મારફતે વડોદરાના વાઘોડિયા રોડ પર `પ્રમુખ કન્સલ્ટન્સી' ધરાવતા રેશ્માબેન કલ્પેશભાઈ પટેલના સંપર્કમાં આવ્યા હતા. રેશ્માબેને આર્યાબેનને યુરોપિયન દેશ બેલારૂસ મોકલવાની અને ત્યાં નોકરી અપાવવાની ખાતરી આપી કુલ રૂ. 6,00,000નો ખર્ચ થશે તેમ જણાવ્યું હતું.
આર્યાબેન તૈયાર થતાં તેમણે 13 જૂન, 2025ના રોજ રેશ્માબેનની ઓફિસ પર જઈને રૂ.1,26,000 રોકડા આપ્યા હતા, જેની કોઈ રસીદ આપવામાં આવી નહોતી. જેમાંથી બીજા દિવસે રેશ્માબેને રૂ.26,000 ઓનલાઇન પરત કર્યા હતા. ત્યારબાદ વિઝા પ્રક્રિયા ઝડપી કરવાના બહાને વધુ 5 લાખ રૂપિયાની માંગણી કરાતા, આર્યાબેને ખંભાત ખાતે રહેતા તેમના માતા ગીતાબેન ચૌહાણના બેંક ખાતામાંથી રૂ.5,00,000ની રોકડ રકમ ઉપાડી હતી. આ રકમ ખંભાત ખાતે જ રેશ્માબેન, તેમના પતિ કલ્પેશ પટેલ, પુત્ર હેત પટેલ અને તેમના સાસુની હાજરીમાં આરોપીઓને સોંપવામાં આવી હતી.
રૂપિયા મેળવ્યા બાદ કન્સલ્ટન્ટ મહિલા રેશ્માબેને વાયદા પ્રમાણે બે મહિનામાં કામ પૂરું કર્યું ન હતું. ફોન ઉપાડવાના બંધ કર્યા બાદ દબાણ આવતા તેમણે બેલારૂસના નકલી ઓફર લેટર અને એકોમોડેશન લેટર વોટ્સએપ પર મોકલ્યા હતા. બેંક બેલેન્સ બતાવવાના નામે ખોટું સેટિંગ કરી એસ.બી.આઈ. મણિનગર બ્રાન્ચના ખાતામાં ટ્રાન્ઝેક્શન કરાવી નકલી બેલેન્સ સર્ટિફિકેટ પણ આપ્યું હતું. વિઝા એપોઇન્ટમેન્ટ માટે મુંબઈ જવાની ટિકિટ બુક કરાવ્યા બાદ છેલ્લી ઘડીએ 'સર્વર ક્રેશ' થવાનું બહાનું બતાવી મુંબઈ જવાનું પણ કેન્સલ કરાવ્યું હતું.
જ્યારે આર્યાબેનને ખબર પડી કે તેમને બેલારૂસમાં કન્સ્ટ્રક્શન (બાંધકામ)ના કામનો ઓફર લેટર અપાયો છે, ત્યારે તેમણે આ કામ કરવાની સાફ ના પાડી દીધી હતી અને પોતાના રૂ. 6,00,000 પરત માંગ્યા હતા. રૂપિયા પરત માંગતા જ રેશ્માબેન અને તેમના પરિવારે અસલી રંગ બતાવ્યો હતો અને ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા. મધ્યસ્થી મિત્ર રવિ પટેલ મારફતે વાત કરાવતા આરોપીઓએ ઉદ્ધત વર્તન કરી તારા રૂપિયા પરત નહીં મળે, તારાથી થાય તે કરી લેજે તેવી ધમકી આપી હતી. આ સમગ્ર મામલે ભોગ બનનાર મહિલાએ વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત કન્સલ્ટન્ટ રેશ્માબેન પટેલ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.


