- ધિરેન્દ્ર મેનપરાએ અજાણ્યા ત્રણ શખસો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદના દંપતીને ડોલરના બદલે કાગળનુ બંડલ પકડાવી ઠગ ટોળકી રૂપિયા 7 લાખ રોકડ લઇ ફરાર થઇ ગયું હતું. ચીન જવા માટે સસ્તામાં ડોલર લેવાની લાલચમાં ખાનગી કંપનીમાં કામ કરતા આઇટી એન્જિનિયરને ઠગોએ ચૂનો ચોપડયો છે. આ બનાવ અંગેની ફરિયાદ મંજુસર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મંજુસર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, સી- 602, સૂર્યમ પ્રાંઇમ, વસ્ત્રાલ, અમદાવાદના રહેવાસી ધીરેન્દ્ર ઉર્ફ ધવલ વ્રજલાલ મેનપરા ખાનગી કંપનીમાં IT મેનેજર છે. તેમના કૌટુંબિક સાળા નિતીનભાઇ ઝાલા પેઇન્ટીંગનું કામ કરે છે. બે મહિના પહેલા તેઓના ફોન પર અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં સામે વાળાએ પોતાનું નામ જગદીશ પટેલ હોવાનું જણાવ્યું હતું. અને દાહોદ મંદિર માટે પેઇન્ટીંગ બનાવવા જણાવ્યું હતું. ત્યાર બાદ બંને વચ્ચે અવાર નવાર વાતચીત થતી હતી. દરમિયાન નિતીનભાઇએ બનેવીને જણાવ્યું કે, જગદીશભાઇ પાસે સ્વામીનારાયણ મંદિરના અમેરિકન ડોલર છે. તે સસ્તાભાવે આપવાની વાત કરે છે. ધીરેન્દ્ર ને ચીન જવાનું હોવાથી ડોલર લેવાની ઇચ્છા હતી.
બાદમાં ધીરેન્દ્ર ઉર્ફ ધવલ મેનપરા અને જગદીશભાઇ વાતચીત થઇ હતી. વોટ્સએપ પર વાતચીત દરમિયાન ડોલર સાચા હોવાની ખાત્રી માંગી હતી. ત્યાર બાદ જગદીશભાઇના જણાવ્યા અનુસાર ધીરેન્દ્ર અમદાવાદથી બસમાં બેસીને આણંદ આવ્યા હતા. ત્યાં એક વ્યક્તિ આવ્યો હતો. જેણે રૂપિયા 6 હજારની અવેજમાં 100 અમેરિકન ડોલર આપ્યા હતા. ત્યાર બાદ આ ડોલરની ધિરેન્દ્રએ ચકાસણી કરાવતા તે સાચા જણાઇ આવ્યા હતા. બાદમાં 10 હજાર અમેરિકન ડોલર આપવાની વાત થઇ હતી.
આ માટે ધીરેન્દ્ર તેમની પત્ની જલ્પાબેન સાથે રૂપિયા 7 લાખ ઉછીના લઇને વડોદરા આવ્યા હતા. એક્સપ્રેસ વેના ટોલ પ્લાઝા પર ઉભા રહ્યા હતા. એક અજાણ્યા શખ્સે કારમાંથી ડોલર ભરેલી થેલી હોવાનું જણાવી હાથ ઉંચો કર્યો હતો. તે સામે ધીરેન્દ્રએ રોકડ રૂપિયાની થેલી બતાવી હતી. જે બાદ ધીરેન્દ્ર ડોલર ભરેલી થેલી જોવા જતા જ અજાણ્યા શખ્સે ધીરેન્દ્રની પત્નીના હાથમાંથી રૂપિયા 7 લાખ ભરેલી થેલી લઇ ઝૂંટવી ફરાર થઇ ગયો હતો. ધિરેન્દ્રએ બીજી થેલી તપાસતા તેમાંથી પહેલા અને છેલ્લા અમેરિકન ડોલરની નોટ જણાઇ હતી. દરમિયાન ધિરેન્દ્ર મેનપરાએ ઠગ જગદીશ પટેલ તથા અન્ય વિરૂદ્ધ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની તપાસ પીએસઆઇ પી.જે. પટેલ કરી રહ્યા છે.