- યુવક યોગ્ય ન લાગતા મહિલાએ લગ્ન કરવાની ના પાડી હતી, ત્યારબાદ યુવકે મહિલા સાથેના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી મહિલાના પરિવારજનોને મોકલ્યા હતા
વડોદરાની વિધવા મહિલા સાથે પ્રેમસંબંધ બાંધ્યા બાદ અમદાવાદમાં રહેતા પ્રેમી યુવકે મહિલાના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા. આ મામલે મહિલાએ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશનમાં યુવક સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ શરૂ કરી છે.

મૂળ રાજસ્થાનની અને વડોદરામાં રહેતી 37 વર્ષીય વિધવા મહિલા અમદાવાદમાં દીકરી સાથે રહેતી હતી. આ દરમિયાન અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા ઉત્તમ રમેશભાઈ જૈન નામના 35 વર્ષીય યુવક સાથે તેનો સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક થયો હતો અને બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને પ્રેમસંબંધ બંધાયો હતો. જો કે, મહિલાને યુવક યોગ્ય ન લાગતા મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી, ત્યારબાદ યુવકે મહિલા સાથેના આપત્તિજનક ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ કરી દીધા હતા તથા ફોટા મહિલાના પરિવારજનોને મોકલ્યા હતા.
આપત્તિજનક ફોટો જોયા બાદ મહિલાએ નવાપુરા પોલીસની મદદ લીધી હતી અને આ મામલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાના પતિ મૃત્યુ પામ્યા છે અને મહિલાની દીકરી અભ્યાસ કરે છે. આરોપી યુવક મૂળ રાજસ્થાનનો જ વતની છે અને તે ઇલેક્ટ્રિશિયનનું કામ કરે છે.
નવાપુરા પોલીસે કલમ 354 અને આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ઉત્તમ જૈનની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


