નિઝામપુરામાં 3 લોકોને બચકાં ભરનાર હિંસક વાનર પાંજરે પુરાયો, વનવિભાગે છ કલાકે સફળતા મળી

હિંસક વાનરે અંબિકાવિજય અને રામનગર સોસાયટીના રહીશોની ઊંઘ હરામ કરી હતી

MailVadodara.com - Aggressive-monkey-that-bit-three-people-in-Nizampura-caged-Forest-Department-succeeds-after-six-hours

- બે સોસાયટીમાં બે દિવસથી ભયનો માહોલ હતો, વન વિભાગે વાનરને સુરક્ષિત સ્થળે ખસેડ્યો

વડોદરાના નિઝામપુરામાં છેલ્લા બે દિવસથી ભારે આતંક મચાવનાર હિંસક વાનર આખરે સફળતાપૂર્વક પાંજરે પુરાયો છે. આ કપિરાજે નિઝામપુરામાં આવેલી અંબિકાવિજય સોસાયટી અને રામનગર સોસાયટીના રહીશોની ઊંઘ હરામ કરી નાખી હતી. વાનરે વિસ્તારમાં પોતાની દહેશત ઊભી કરી હતી, જેના કારણે સ્થાનિક રહીશો, વૃદ્ધો અને બાળકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા હતા.

મળતી માહિતી મુજબ, ટેરિટરી ફાઇટ એટલે કે પોતાના વિસ્તાર પર પ્રભુત્વ મેળવવાની લડાઈમાં આ વાનર અત્યંત હિંસક બની ગયો હતો. આક્રમક બનેલા વાનરે વિસ્તારના ત્રણ લોકોને બચકાં ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યા હતા. ઘટના અંગે સ્થાનિક રહીશો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા જ રેસ્ક્યુ ટીમ તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવી હતી. વન વિભાગની મદદથી ટીમે વાનરને પકડવા માટે વ્યૂહાત્મક આયોજન કરીને પાંજરું ગોઠવ્યું હતું.

વાનરને રેસ્ક્યુ કરવાની કામગીરી અત્યંત પડકારજનક અને જોખમી સાબિત થઈ હતી. રેસ્ક્યુ કામગીરી દરમિયાન હિંસક બનેલા વાનરે વન વિભાગના રેસ્ક્યુઅર પર પણ હુમલો કરી તેમને ઘાયલ કર્યા હતા. આમ છતાં, વન વિભાગના કર્મચારીઓએ હિમ્મત હાર્યા વગર સતત 6 કલાક સુધી ભારે જહેમત ઉઠાવી હતી. આખરે 6 કલાકની લાંબી મથામણ બાદ વન વિભાગની ટીમે વાનરને પાંજરે પૂરી લેવામાં સફળતા મેળવી હતી.
વાનર પકડાઈ જતાં અંબિકાવિજય સોસાયટી અને રામનગર સોસાયટી સહિત સમગ્ર નિઝામપુરા વિસ્તારના રહીશોએ ભારે હાશકારો અનુભવ્યો છે અને ભયના ઓથારમાંથી મુક્તિ મેળવી રાહતનો શ્વાસ લીધો છે. જ્યાં સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું ત્યાં સુધી સ્થાનિક રહીશો પોતાના મકાનમાં જ ભરાઈ રહ્યા હતા. વાનરના ડરથી કોઈ ઘરની બહાર નીકળ્યું ન હતું. વન વિભાગ દ્વારા વાનરને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યો છે.

સ્થાનિક રહીશ ભાગ્ય પટેલના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં બે કપિરાજ છેલ્લા કેટલાક સમયથી લોકોને નુકસાન પહોચાડી રહ્યા હતાં. ગઈકાલે તેઓની દાદીને કપિરાજે બચકા ભર્યા હતા જેના કારણે તેઓને 8 ટાંકા આવ્યા હતા. આ સાથે એક પુરુષને પણ કરડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસમાં 15 થી વધુ લોકોને ઈજાઓ પહોંચાડી છે. હાલ એક કપિરાજ પાંજરે પુરાયા છે જ્યારે અન્ય એક બાકી હોવાનું તેઓએ જણાવ્યું હતું.

Share :

Leave a Comments