ગોરવા વિસ્તારમાં ઘરે આવતી બહેનપણી સાથે પતિના સંબંધની જાણ થતાં મહિલાએ અભયમની મદદ માગી

મહિલાએ પોતાનું ઘર અને બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે 181 અભયમનો સંપર્ક કર્યો

MailVadodara.com - After-learning-about-her-husbands-relationship-with-a-friend-who-was-visiting-her-home-in-the-Gorwa-area-the-woman-sought-Abhayam-help

- ઘરે આવતી મહિલા મિત્ર દેખાવમાં સારી હોવાથી મહિલાના પતિ ધીમે ધીમે તેની સાથે વધુ વાતચીત કરવા લાગ્યા હતા, જરૂરી કામકાજ અને વસ્તુઓ લાવવા જેવી મદદ પણ કરતા હતા

- મહિલાએ પતિનો પીછો કરતા તેઓ પાડોશી મહિલાને લેવા ગયા હોવાનું જોઈ લીધું હતું, અભયમ ટીમે પતિ-પત્ની અને સંબંધિત મહિલાનું કાઉન્સેલિંગ કરી પરિવાર તૂટતા બચાવ્યો

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં રહેતી એક મહિલાને પોતાના પતિ અને પાડોશમાં રહેતી ફ્રેન્ડ વચ્ચે વધતા સંબંધોની જાણ થતાં 181 અભયમ હેલ્પલાઇનની મદદ માગી હતી. અભયમ ટીમે સ્થળ પર પહોંચી પતિ-પત્ની અને સંબંધિત મહિલાનું કાઉન્સેલિંગ કરી પરિવાર તૂટતા બચાવ્યો હતો.

વડોદરામાં રહેતી મહિલાના લવ મેરેજ થયા હતા અને તેમને સંતાનમાં બે દીકરીઓ તથા એક દીકરો છે. મહિલાના પતિ માંજલપુર વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. પાડોશમાં રહેવા આવેલી એક મહિલા તેમની મિત્ર બની હતી અને બંને પરિવાર વચ્ચે સારા સંબંધો હતા.

ઘરે આવતી આ મિત્ર દેખાવમાં સારી હોવાથી મહિલાના પતિ ધીમે ધીમે તેની સાથે વધુ વાતચીત કરવા લાગ્યા હતા. જરૂરી કામકાજ અને વસ્તુઓ લાવવા જેવી મદદ પણ કરતા હતા. પાડોશમાં રહેતી મહિલા છૂટાછેડા લીધેલી અને એકલી રહેતી હોવાનું જાણવા મળ્યું હતું.

મહિલા ગોરવા વિસ્તારમાં આવેલી કંપનીમાં નોકરી કરતી હોવાથી પતિ ઘણીવાર તેને મુકવા અને લેવા જતા હતા. આ દરમિયાન પતિના મોબાઇલ પર વારંવાર આવતા ફોન કોલથી મહિલાને શંકા ગઈ હતી. જોકે, કોઈ પુરાવો ન હોવાથી તેઓ શરૂઆતમાં મૌન રહ્યા હતા.

સમય જતાં પતિના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો હતો અને તેઓ પત્ની સાથે યોગ્ય રીતે વાતચીત પણ કરતા ન હતા. ત્યારબાદ મહિલાએ એક દિવસ પતિનો પીછો કરતા તેઓ પાડોશી મહિલાને લેવા ગયા હોવાનું જોઈ લીધું હતું. બંનેને સાથે જોઈ મહિલાએ પતિ સાથે ચર્ચા કરતા પતિએ આખી હકીકત સ્વીકારી લીધી હતી.

પોતાનું ઘર અને બાળકોનું ભવિષ્ય બગડે નહીં તે માટે મહિલાએ 181 અભયમ ટીમનો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમ સ્થળ પર પહોંચી પતિ, પત્ની અને મહિલાનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખી પતિ અને પાડોશી મહિલાએ પોતાની ભૂલ સ્વીકારી માફી માગી હતી તેમજ ભવિષ્યમાં એકબીજાના સંપર્કમાં નહીં રહેવાની બાહેધરી આપી હતી. આ રીતે અભયમ ટીમે સમયસર હસ્તક્ષેપ કરી એક પરિવાર તૂટતા બચાવ્યો હતો.

Share :

Leave a Comments