- હવે સ્થાયી બેઠક, સામાન્ય સભા બધું વહીવટદારના અધ્યક્ષસ્થાને મળશે
- ટર્મ પૂર્ણ થતા મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાઓએ ગાડીઓ જમા કરાવી

વડોદરા મહાનગરપાલિકામાં ચૂંટાયેલી સભ્યોની મુદત પૂર્ણ થતાં આજથી (10 માર્ચ) કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. નિયમ મુજબ, આજે સવારે પદાધિકારીઓની તમામ ઓફિસો બંધ કરી તાળા મારી દેવામાં આવ્યા છે. આ સાથે તમામના નામની તખ્તી પણ કાઢી લેવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના વહીવટદાર તરીકે પાલિકાના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલમાં GUVNLના એમડી શાલિની અગ્રવાલની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોર્પોરેશનમાં મેયરના સ્થાને હવે વહીવટદાર ચાર્જ સંભાળશે. મેયર ઓફિસની બહાર તેઓના નામની તખ્તી લગાવવામાં આવી છે. બાકી તમામ ઓફિસની બહારથી તખ્તી હટાવી લેવામાં આવી છે.


કોર્પોરેશનમાં મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતાને ગાડીની ફાળવણી કરવામાં આવે છે. તેઓએ પોતાની ટર્મ પૂર્ણ થતા તમામ ગાડીઓ જમા કરાવી હતી. આ તમામ વાહનોને કોર્પોરેશનના વિહિકલપૂલ ખાતે પાર્ક કરી દેવામાં આવી છે. હવે પદાધિકારીઓએ પોતાની અંગત ગાડીનો ઉપયોગ કરવો પડશે.

સભા સેક્રેટરી ચિંતન દેસાઈએ જણાવ્યું હતું કે, પાલિકામાં હવે વહીવટદારનું શાસન આવતા પાલિકાની તમામ કાર્યવાહી હવે વહીવટદારના અધ્યક્ષ સ્થાને મળશે. સ્થાયી સમિતિની બેઠક, સામાન્ય સભા તમામ બેઠકો હવે વહીવટદારની અધ્યક્ષતામાં મ્યુનિસિપલ કમિશનર અને સેક્રેટરી સાથે યોજવામાં આવશે. જેમાં શહેર માટેના નિર્ણયો લેવામાં આવશે.
કોર્પોરેશનની ચૂંટણીઓ ટૂંક સમયમાં જાહેર થાય તેવી શકયતાઓ છે. રાજ્યના ચૂંટણી વિભાગ દ્વારા લગભગ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યારે હવે ચૂંટણીઓ ક્યારે જાહેર થાય છે તેની રાહ જોવાઈ રહી છે. આ વખતની ચૂંટણીમાં ગત ટર્મના મોટા ભાગના સભ્યો કપાય તેવી શક્યતા છે. ત્યારે હવે તમામ સભ્યો ચૂંટણીમાં પોતાનું નામ આવે તે માટેની મથામણમાં લાગી જશે.


