સમા વિસ્તારમાં હરિ ગેસ એજન્સીમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન ગેરરીતિ ઝડપાતાં તંત્રની કાર્યવાહી

ઘરેલું ગેસ સિલિન્ડરના વિતરણમાં ગ્રાહકોને હાલાકી ન પડે તે માટે તંત્ર એક્શન મોડમાં

MailVadodara.com - Action-taken-by-the-administration-after-irregularities-were-detected-during-a-random-check-at-Hari-Gas-Agency-in-Sama-area

- સરકારી નિયમ મુજબ એજન્સીએ ગ્રાહકોના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવાના હોય છે, પરંતુ અહીં સંચાલકો દ્વારા સિલિન્ડર સીધા ગોડાઉન પરથી જ વિતરણ કરવામાં આવતા હતા

વડોદરા શહેરમાં ઘરેલું ગેસ સિલિન્ડરના વિતરણમાં પારદર્શિતા જળવાય અને ગ્રાહકોને કોઈ પણ જાતની હાલાકી ન પડે તે માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. જિલ્લા પુરવઠા તંત્ર, મામલતદાર અને પોલીસની સંયુક્ત ટીમો દ્વારા શહેર અને જિલ્લાના વિવિધ એકમો પર આકસ્મિક દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કવાયતના ભાગરૂપે આજે સમા વિસ્તારમાં કાર્યરત `હરિ ગેસ એજન્સી'માં ગેરરીતિઓ ઝડપાતા ભારે ખળભળાટ મચી ગયો છે.


જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈ અને તેમની ટીમે જ્યારે હરિ ગેસ એજન્સીના સ્થળ પર આકસ્મિક તપાસ કરી, ત્યારે ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. સરકારી નિયમ મુજબ એજન્સીએ ગ્રાહકોના ઘરે ગેસ સિલિન્ડર પહોંચાડવાના હોય છે, પરંતુ અહીં સંચાલકો દ્વારા સીધું ગોડાઉન પરથી જ વિતરણ કરવામાં આવતું હતું. નવાઈની વાત તો એ છે કે, હોમ ડિલિવરી ન આપવા છતાં ગ્રાહકો પાસેથી ગેરકાયદેસર રીતે ડિલિવરી ચાર્જ વસૂલવામાં આવતો હતો.


સરકારી ધારાધોરણોનું ઉલ્લંઘન અને ગ્રાહકો પાસેથી વધુ નાણાં પડાવવા બદલ પુરવઠા વિભાગે આ એજન્સીને કારણદર્શક નોટિસ ફટકારી છે. જિલ્લા વહીવટી તંત્રએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે ગ્રાહકોના હિત સાથે ચેડાં કરનાર કોઈ પણ એજન્સીને બક્ષવામાં આવશે નહીં. આગામી દિવસોમાં પણ આવી તપાસ ચાલુ રહેશે અને જો કોઈ એજન્સી નિયમ ભંગ કરતી જણાશે તો તેની સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share :

Leave a Comments