મકરપુરા જીઆઇડીસીમાં પાલિકાની દબાણ શાખાની કાર્યવાહી, 40થી વધુ નડતરરૂપ ઝૂંપડાઓનો સફાયો

પાલિકાની ટીમ અચાનક ત્રાટકતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારોમાં ભારે ફફડાટ ફેલાયો

MailVadodara.com - Action-taken-by-the-Municipal-Corporations-enforcement-branch-in-Makarpura-GIDC-more-than-40-nuisance-huts-cleared

- જુપિટર ચાર રસ્તાથી લકી રેસ્ટોરન્ટ સુધીના માર્ગ પર પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની મેગા ડ્રાઈવ વર્ષો જૂના દબાણો દૂર કરવામાં આવ્યા


વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ટ્રાફિક અને રસ્તાના નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. જે અંતર્ગત મકરપુરા GIDC વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમે આક્રમક કાર્યવાહી કરી હતી. જુપિટર ચાર રસ્તા પાસે રોડ પર વર્ષોથી જામી ગયેલા આશરે 40 જેટલા ઝૂંપડાઓ પર પાલિકાએ બુલડોઝર ફેરવી રસ્તો ખુલ્લો કર્યો હતો.


મકરપુરા GIDC જેવા ધમધમતા ઔદ્યોગિક વિસ્તારમાં જુપિટર ચાર રસ્તાથી લકી રેસ્ટોરન્ટ સુધીના મુખ્ય માર્ગ પર અનેક ઝૂંપડાઓ ઉભા કરી દેવામાં આવ્યા હતા. આ દબાણોને કારણે વાહનવ્યવહારમાં અડચણ ઉભી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જેને પગલે આજે સવારે પાલિકાની દબાણ શાખાનો કાફલો જેસીબી અને ટ્રેક્ટરો સાથે સ્થળ પર ત્રાટક્યો હતો. સંભવિત ઘર્ષણને ટાળવા માટે અગાઉથી જ પોલીસ બંદોબસ્ત મેળવી લેવામાં આવ્યો હતો, જેથી કામગીરી નિર્વિઘ્ન પાર પાડી શકાય.


પાલિકાની ટીમ અચાનક ત્રાટકતા ઝૂંપડામાં રહેતા શ્રમિક પરિવારોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. બુલડોઝરની ગર્જના વચ્ચે લોકો પોતાનો ઘરવખરીનો સામાન અને માલસામાન બહાર કાઢવા માટે દોડતા નજરે પડ્યા હતા. ઘણા પરિવારોને સામાન ખસેડવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, છતાં તંત્રએ મક્કમતા દાખવી તમામ 40 જેટલા કાચા-પાકા ઝૂંપડાઓ જમીનદોસ્ત કરી દીધા હતા.

ઝૂંપડાઓ તોડી પાડ્યા બાદ રોડ પર મોટા પ્રમાણમાં લાકડા, પ્લાસ્ટિક અને અન્ય વેસ્ટ સામાન વેરવિખેર પડ્યો હતો. પાલિકાની ટીમે માત્ર દબાણો તોડવા પૂરતી કામગીરી મર્યાદિત ન રાખતા, તમામ વેસ્ટ સામાન અને કાટમાળ ભરવાની કામગીરી પણ તાત્કાલિક હાથ ધરી હતી, જેથી રસ્તો સાફ અને અવરજવર માટે લાયક બની શકે.

Share :

Leave a Comments