માંજલપુરના 82 વર્ષીય વૃદ્ધ પાસેથી પરિચિતે રૂા.16.33 લાખ લીધા, નાણાં પરત માંગતા ધમકી આપતા ફરિયાદ

શ્રી વીર રેસીડેન્સીમાં રહેતા અજીતભાઈ મોદીએ માંજલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી

MailVadodara.com - Acquaintance-took-Rs-16-33-lakh-from-82-year-old-man-from-Manjalpur-filed-complaint-threatening-to-return-money

વડોદરામાં માંજલપુરના જૈન દેરાસર રોડ પર આવેલી શ્રી વીર રેસીડેન્સીમાં રહેતા અજીતભાઈ ભોગીલાલ મોદી (ઉંમર વર્ષ 82) એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે માંજલપુરના જીઆઈડીસી રોડ સ્થિત સહજાનંદ ફ્લેટ્સમાં રહેતા ભાવિક પ્રવીણચંદ્ર શાહ છેલ્લા 10 વર્ષથી મારી સાથે ઓળખાણ ધરાવતો હતો. હું વૃદ્ધ હોવાથી તે મારી સાથે જૈન મંદિરે દર્શન કરવા આવતો, ઘરકામમાં મદદ કરતો અને બજારમાં કામકાજ અર્થે મારી સાથે આવતો હતો. તેણે મારી સાથે ગાઢ પારિવારિક સંબંધો કેળવી લીધા હતા. ત્યારબાદ, એપ્રિલ 2023થી તેણે પોતાના અંગત અને વ્યાવસાયિક કામકાજનું બહાનું બતાવીને મારી પાસે નાણાંની માંગણી શરૂ કરી હતી. પૈસા સમયસર પરત આપી દેવાનો પાકો ભરોસો આપતા મેં મારા જુદા-જુદા બેંક ખાતાઓમાંથી ચેક અને ટ્રાન્સફર મારફતે રૂપિયા 15,14,500 તથા રોકડા રૂપિયા 1,18,500 મળીને કુલ રૂપિયા 16,33,000 તેને આપ્યા હતા.

જ્યારે મેં મારા નાણાં પરત માગ્યા ત્યારે તેણે મને આપેલા આઈસીઆઈસીઆઈ અને એચડીએફસી બેંકના રૂપિયા 4.5 લાખ, રૂપિયા 3.80 લાખ અને રૂપિયા 8 લાખના ચેકો બેંકમાં જમા કરાવતા ઇન્સફિશિયન્ટ ફંડ્સ (અપૂરતું બેલેન્સ) ના કારણે બાઉન્સ થયા હતા. આ અંગે મેં ભાવિક શાહનો રૂબરૂ અને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો તેણે સરખો જવાબ આપવાનું બંધ કરી દીધું અને છેવટે હું પૈસા નહીં આપું તેમ કહી ધમકી આપી પૈસા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.

Share :

Leave a Comments