MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર જાહેરમાં અશ્લીલ ચેનચાળા કરનાર આરોપી ઝડપાયો

ગતરોજ બાઈક પર બેઠેલો યુવક અભદ્ર વર્તન કરતો હોવાનો વીડિયો વાઇરલ કર્યો હતો

MailVadodara.com - Accused-of-public-lewd-flirting-outside-MS-University-girls-hostel-arrested

- વીડિયો વાયરલ થયા બાદ સયાજીગંજ પોલીસે ગુનો નોંધી આરોપી ફિરોઝ પઠાણની ધરપકડ કરી

સંસ્કારનગરી વડોદરા શહેરની MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની બહાર એક શખશનો અભદ્ર વર્તન કરતો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં બાઈક પર બેઠેલો યુવક અશ્લીલ ચેનચાળા કરતો હોવાનો યુવતીએ વાઇરલ કરેલા વીડિયોમાં દાવો કર્યો હતો. વીડિયોને આધારે સયાજીગંજ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા શહેરના કમાટીબાગ રોડ પર MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલ આવેલી છે. આ ગર્લ્સ હોસ્ટેલની બહાર એક યુવક બાઈક પર બેઠો હતો અને અભદ્ર વર્તન કરી રહ્યો હતો. જેનો વીડિયો એક યુવતીએ ઉતાર્યો હતો. આ વીડિયો બનાવી યુવકની અશ્લીલ હરકતને ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવી હતી. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં યુવતી કહે છે કે, અમારી હોસ્ટેલની બહાર જ આટલી ખરાબ હરકત જોઈને મારું મગજ ખરાબ થઈ ગયું. અમે ફતેગંજથી જમવાનું લઈને આવી રહ્યા હતા, તે સમયે આ ઘટના બની હતી. તેને પોતાની પેન્ટની ઝીપ ખુલ્લી રાખી હતી. આ સમયે હોસ્ટેલની છોકરીઓ બહાર હાજર હતી. તેને બિલકુલ શરમ નહોતી કે, તે શું કરી રહ્યો છે. એ શખસની હરકત જોઈને છોકરીઓ ગભરાઈ ગઈ હતી, પરંતુ તે શખસને કોઈ ડર ન હતો.


યુવતીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે લોકોએ હિંમત દાખવીને તેને આ બાબતે વાત કરવા જતા તે ભાગી ગયો હતો. સામેથી છોકરીઓ આવી રહી હતી તેમ છતાં શખસને કોઈ શરમ નહોતી. પબ્લિક પ્લેસમાં આવું કરી રહ્યો છે. લોકો આ પ્રકારના અભદ્ર વર્તન કરે છે અને તેમને એવું લાગે છે કે તમને કોઈ કંઈ નહીં કહે.

વિડીયો વાયરલ થતાં સયાજીગંજ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી ફિરોઝ ગફાર ખલીફા પઠાણ (હાલ રહે. મકાન નં 21/22 ક્રિષ્ણાપાર્ક સોસાયટી, છાયાપુરી રેલ્વે સ્ટેશન રોડ, છાણી, વડોદરા, મૂળ રહે. રાજીવનગર બંગાલી ગલી, ખજરાના ગામ તા. જી. ઈન્દોર, મધ્ય પ્રદેશ)ની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.જે. પંડ્યાએ આ મામલે જણાવ્યું હતું કે, વાઇરલ વીડિયોના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments