ઓનલાઈન ઠગાઈના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મહેસાણાથી ઝડપી પાડ્યો

વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રૂપિયા 9.89 લાખની છેતરપિંડી કરનાર આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - Accused-of-online-fraud-absconding-for-one-and-a-half-years-arrested-from-Mehsana

વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ઓનલાઈન ઠગાઈના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે મહેસાણા જિલ્લાના છાબલીયા ગામેથી ઝડપી પાડ્યો છે અને આરોપીને સાયબર ક્રાઇમ પોલીસને સોપ્યો છે.


16 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 2023 દરમિયાન આરોપીઓએ એન્જલ વર્લ્ડ ફાઈનાન્સના નામે ઓનલાઈન ટ્રેડિંગના બહાને ફરિયાદી પાસેથી રૂપિયા 12,06,000 રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યા હતા. તેમણે ફરિયાદીના એકાઉન્ટમાં રૂપિયા 2,16,000 જમા કરી વિશ્વાસ જન્માવ્યો હતો. જોકે, બાકીની રકમ રૂપિયા 9,89,300 પરત કરી નહોતી અને ગુનાહિત કાવતરું રચીને છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં મેહુલજી ઠાકોર (ઉ.વ. 26), (રહે. છાબલીયા ગામ, ચિત્રોડીપુરા પરું, તા. વડનગર, જિ. મહેસાણા)ની સંડોવણી સામે આવી હતી, અને તે દોઢ વર્ષથી ફરાર હતો.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ફરાર આરોપીની શોધખોળ દરમિયાન માહિતી મળી કે, મેહુલજી ઠાકોર તેના વતન છાબલીયા ગામે છે. વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે ત્યાં પહોંચીને આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે ખેતરોમાં નાસવાનો પ્રયત્ન કર્યો હતો. વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સતત પીછો કરી આરોપીને ઝડપી લીધો હતો. પ્રાથમિક પૂછપરછમાં તેની ગુનામાં સંડોવણી સ્પષ્ટ થતાં તેને વધુ તપાસ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments