- મેલ વોર્ડમાં સારવાર માટે લવાયો હતો, ફરાર આરોપીને શોધવા પોલીસની વિવિધ ટીમો સક્રિય
વડોદરા શહેરની સયાજી (SSG) હોસ્પિટલમાંથી ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલો કુખ્યાત આરોપી મોહસીન મીંડી પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ જતાં પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. આરોપીને સારવાર અર્થે હોસ્પિટલના મેલ વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. આ દરમિયાન તે પોલીસની નજર ચૂકવીને હોસ્પિટલમાંથી નાસી છૂટતાં હોસ્પિટલ પરિસરમાં તૈનાત પોલીસની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
મળતી વિગતો મુજબ આરોપી મોહસીન મીંડીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેને હથકડીથી બાંધવામાં આવ્યો હતો. જોકે, બાથરૂમ જવાનું બહાનું કાઢીને આરોપી શાતિરતાપૂર્વક ફરજ પરના પોલીસકર્મીઓને હાથતાળી આપી નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતાં જ હોસ્પિટલ અને વડોદરા પોલીસ તંત્રમાં હડકંપ મચી ગયો હતો. હાલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસની વિવિધ ટીમો દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા માટે ચોકઠા ગોઠવી શોધખોળ શરૂ કરવામાં આવી છે.
સુરતની કુખ્યાત 'મીંડી ગેંગ' અને તેના સાગરિતો સામે સંગઠિત ગુનાખોરી, ડર અને આતંક ફેલાવવા બદલ સુરત પોલીસ દ્વારા ગુજસીટોક (GUJCTOC) કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવેલી છે. આ ગેંગ વિરુદ્ધ લાલગેટ, ચોકબજાર અને રાંદેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં હત્યા, હત્યાનો પ્રયાસ, જાહેરમાં ફાયરિંગ, ગેરકાયદે હથિયારો રાખવા, ખંડણી વસૂલવી અને પોલીસ પર હુમલો કરવા જેવા 15 થી 20 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.


