- ડ્રોનથી 5 કલાક બિલ્ડિંગ ફંફોસ્યું, છતાં રાવપુરા પોલીસને સફળતા મળી ન હતી
- ક્રાઇમ બ્રાન્ચે આરોપીને ગણતરીની કલાકોમાં જ છાણી કેનાલ વિસ્તારમાંથી કોર્ડન કરી દબોચ્યો
વડોદરાની SSG હોસ્પિટલમાં ગુરૂવારે સારવાર અર્થે લાવવામાં આવેલો દુષ્કર્મ અને પોક્સો કેસનો આરોપી ગોવિંદ રમેશભાઈ મહોણીયા ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલતાં જ પોલીસકર્મીને ધક્કો મારીને ફિલ્મી સ્ટાઈલમાં ફરાર થઈ ગયો હતો. રાવપુરા પોલીસ અને ડ્રોનની મદદથી પાંચ કલાકની શોધખોળ બાદ પણ તે હાથ લાગ્યો નહોતો. આખરે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને બાતમીના આધારે 11 કલાકમાં જ આરોપીને છાણી કેનાલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ આરોપી ગોવિંદ મહોણીયાને ચામડીની તકલીફ હોવાથી 6 ઓગસ્ટે પોલીસ જાપ્તા હેઠળ SSG હોસ્પિટલના વોર્ડ નંબર 5માં લાવવામાં આવ્યો હતો. બપોરે આશરે 11.45 વાગ્યે હોસ્પિટલની કેન્ટીન નજીક તેને બીજું ઈન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવી હતી. આ તકનો લાભ ઉઠાવી આરોપી પોલીસ કર્મચારી જીતેન્દ્રસિંહને ધક્કો મારીને મુઠ્ઠીઓ વાળીને ભાગી છૂટ્યો હતો.
આરોપી હોસ્પિટલ નજીકની એક નિર્માણાધીન બિલ્ડિંગમાં ઘૂસી જતાં પોલીસે સમગ્ર વિસ્તાર ઘેરી લીધો હતો. બિલ્ડિંગમાં શોધખોળ માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરાયો હતો અને માઇકથી એનાઉન્સમેન્ટ કરીને સલામત રીતે બહાર આવી જવા અપીલ પણ કરાઈ હતી. જોકે, રાવપુરા પોલીસે 5 કલાક સુધી આખી બિલ્ડિંગ ફંફોસી નાખી હોવા છતાં આરોપી હાથ લાગ્યો નહોતો. આ ઘટના અંગે રાવપુરા પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
ત્યારબાદ વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમો તપાસમાં જોડાઈ હતી. હ્યુમન સોર્સ અને સીસીટીવી ફૂટેજ ચકાસતાં આરોપી પોતાના છાણી કેનાલ નજીક આવેલા રહેઠાણ તરફ આવવાનો હોવાની સચોટ બાતમી મળી હતી. ખાનગી રાહે ગોઠવાયેલી વોચ દરમિયાન 6 ઓગસ્ટની રાત્રે જ 10.30 વાગ્યાની આસપાસ આરોપી ત્યાં પહોંચતાં જ ક્રાઇમ બ્રાન્ચે તેને કોર્ડન કરીને ઝડપી લીધો હતો અને રાવપુરા પોલીસને સોંપ્યો હતો.


