- 10 ભરેલા અને 18 ખાલી એમ કુલ 28 LPG સિલિન્ડરો મળ્યા, ફરસાણની દુકાનમાંથી ગેરકાયદે રાખેલા LPG સિલિન્ડર રાખ્યા'તા, કોઈ બિલ, કાગળો કે કાયદેસર પુરાવા નહોતા

વડોદરા શહેરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની અછત વચ્ચે રાંધણ ગેસ સિલિન્ડરમાં સંગ્રહ ખોરી અને કાળા કારોબાર કરતા શખસો સામે પોલીસે લાલ આંખ કરી છે. મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 28 ગેસ સિલિન્ડર સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.
મકરપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ. એમ. ગોહીલની ટીમે વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મહત્વની બાતમી મેળવી હતી કે, માણેજા ક્રોસિંગ પાસે આત્મીય- 2 ટેનામેન્ટ નજીક આવેલી 'અગ્રવાલ સ્વીટ એન્ડ નાસ્તા' નામની ફરસાણની દુકાનમાં ભવાનીશંકર ઉર્ફે ભોલો અગ્રવાલ નામનો વ્યક્તિ લાયસન્સ વિના વિવિધ કંપનીઓના રાંધણ ગેસના સિલિન્ડરો રાખીને કાળા બજારમાં વેચાણ કરી રહ્યો હોવાની વિગતો મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે દુકાનની તપાસ કરી ત્યારે દુકાનદાર ભવાનીશંકર ઉર્ફે ભોલ વિશ્વંભરદયાલ અગ્રવાલે સિલિન્ડરો રાખેલા હોવાનું સ્વીકાર્યું હતું, પરંતુ તેમની પાસે કોઈ બિલ, કાગળો કે કાયદેસર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું અને તપાસમાં સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો.
તપાસ દરમિયાન દુકાનમાંથી 10 ભરેલા અને 18 ખાલી એમ કુલ 28 LPG સિલિન્ડરો મળી આવ્યા હતા, જેનું કુલ કિંમત રૂપિયા 66920 થાય છે. આ કાર્યવાહીમાં આરોપી ભવાનીશંકર ઉર્ફે ભોલ વિશ્વંભરદયાલ અગ્રવાલ (ઉંમર 31 વર્ષ, રહે બી-10, પંચરત્ન સોસાયટી, ફેગ કંપની સામે, માણેજા, વડોદરા) ને ઝડપી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


