- આરોપીએ ચોરીના કેટલાક દાગીના રાજસ્થાનમાં પોતાના મકાનમાં સંતાડ્યાની કબૂલાત કરતા પોલીસે તેના ઘરેથી સોનાની બંગડી, સોનાની પાયલ અને ચાંદીની પાંચ નાની મૂર્તિઓ મળી રૂા.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો, આરોપીએ કેટલાક દાગીના ઉદયપુરમાં વેચી દીધા
વડોદરાના અટલાદરા વિસ્તારમાં પાંચ મહિના અગાઉ થયેલી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં અટલાદરા પોલીસને સફળતા મળી છે. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે રાજસ્થાનના 38 વર્ષીય આરોપી હીરાલાલ નવલજી કીરને ઝડપી પાડી તેની પાસેથી કુલ રૂા.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ચોરીની કબૂલાત કરી હતી.
![]()
અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનામાં ફરિયાદીના મકાનના પ્રથમ માળે આવેલા રૂમના ખુલ્લા કબાટમાંથી લોકરની ચાવી મેળવી લોકર ખોલવામાં આવ્યું હતું. ત્યારબાદ સોનાની પાયલ, સોનાની બંગડી, બે મંગળસૂત્ર, ચાંદીની પાંચ નાની મૂર્તિઓ તથા રૂા.25 હજાર રોકડ મળી કુલ મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી. ગુનાની તપાસ દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ટેક્નિકલ માહિતીના આધારે તપાસ આગળ ધપાવી હતી તેમજ પોતાના બાતમીદારોને સક્રિય કર્યા હતા.
દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે અટલાદરા આર્યા એમ્પાયરથી સત્વ સહજ સોસાયટી તરફ જતા હાઈટેન્શન રોડ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં મળી આવેલા રાજસ્થાનના હીરાલાલ નવલજી કીરની અટકાયત કરી તેની પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી હીરાલાલ નવલજી કીર, ઉંમર 38 વર્ષ, હાલ કોટડા બડા ગામ, તાલુકો ગઢી, જિલ્લા બાંસવાડા, રાજસ્થાન ખાતે રહે છે અને મૂળ કરેલી ગામ, પોસ્ટ બડગામ, થાણા સરાડા, તાલુકો-જિલ્લો સલૂમ્બર, રાજસ્થાનનો રહેવાસી છે.
પોલીસની સઘન પૂછપરછમાં આરોપીએ ફરિયાદીના ઘરેથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. રિમાન્ડ દરમિયાન આરોપીએ ચોરીના કેટલાક દાગીના રાજસ્થાનમાં પોતાના રહેણાક મકાનમાં સંતાડ્યા હોવાની કબૂલાત કરી હતી. જેના આધારે પોલીસે રાજસ્થાન ખાતે તેના ઘરેથી રૂા.20 હજારની સોનાની બંગડી, રૂા.40 હજારની સોનાની પાયલ અને રૂા.10 હજારની ચાંદીની પાંચ નાની પૂજાની મૂર્તિઓ મળી કુલ રૂા.70 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસ તપાસમાં વધુમાં સામે આવ્યું છે કે ચોરી કરેલું આશરે રૂા.60 હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર અને આશરે રૂા.20 હજારની કિંમતની સોનાની પાયલનો એક ટુકડો આરોપીએ ઉદયપુર ખાતે આવેલી મુથૂટ ગોલ્ડ એજિમ પોઈન્ટ પ્રાઇવેટ લિમિટેડમાં વેચી દીધો હતો. આ મુદ્દામાલ પરત મેળવવા માટે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


