છાણભોઈ ગામમાં પ્રેમસંબંધમાં વહેમ રાખી લીવ ઇનમાં રહેતી મહિલાની હત્યા કરનાર આરોપી ઝડપાયો

ફોન પર વાત કરવાના વહેમમાં બંને વચ્ચે ઝઘડો થયો, પોલીસે આરોપીને ઝડપી પાડ્યો

MailVadodara.com - Accused-arrested-for-murdering-a-woman-in-a-live-in-relationship-in-Chhanbhoi-village-over-suspicions-regarding-the-relationship

- બે વર્ષથી બંને લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા, મૃતકના પુત્રની ફરિયાદ આધારે કાર્યવાહી

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના છાણભોઈ ગામની નવીનગરીમાં 42 વર્ષીય મનીષાબેન કિરણભાઈ વસાવાની ધારદાર હથિયાર જેવા સાધન વડે હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. બનાવ બાદ શિનોર પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ગણતરીના કલાકોમાં હત્યાના આરોપી સતીષભાઈ નટવરભાઈ વસાવાને ઝડપી પાડ્યો છે.

મળતી માહિતી મુજબ, મનીષાબેનના પતિનું 10 વર્ષ અગાઉ નિધન થયું હતું. ત્યારબાદ તેમને ગામના જ સતીષ વસાવા સાથે પ્રેમસંબંધ બંધાયો હતો અને છેલ્લા બે વર્ષથી બંને પતિ-પત્નીની જેમ લીવ-ઇન રિલેશનશિપમાં રહેતા હતા. મનીષાબેનને બે સંતાનો છે, જેમાં મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે, જ્યારે નાનો દીકરો તેના મામાના ઘરે રહે છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ, મનીષાબેન કોઈ વ્યક્તિ સાથે ફોન પર વાત કરે તો સતીષભાઈ તેના પર ખોટો વહેમ રાખી અવારનવાર ઝઘડો કરતા હતા. આ દરમિયાન 4 ઓક્ટોબરની સવારે બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સતીષભાઈએ મનીષાબેનના માથાના વચ્ચેના ભાગે, પાછળના ભાગે, કપાળ તેમજ બંને હાથની આંગળીઓ ઉપર ધારદાર હથિયાર જેવા સાધન વડે મારમારી ઇજાઓ પહોંચાડી હતી. ગંભીર ઇજાઓના પગલે મનીષાબેનનું મોત નીપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં શિનોર પોલીસ મથકનો સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. પોલીસને લોહીથી લથબથ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે મૃતકના પુત્ર સોહમની ફરિયાદના આધારે શિનોર પોલીસે સતીષભાઈ નટવરભાઈ વસાવા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

આ મામલે શિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103(1) તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનાની તપાસ માટે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપી છાણભોઈ ગામેથી મળી આવતા પોલીસે તેને 4 ઓક્ટોબરના રોજ ઝડપી પાડ્યો હતો અને આગળની તપાસ હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, વડોદરા વિભાગ, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, વડોદરા ગ્રામ્ય તથા ડભોઈ ડિવિઝનના DYSP આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર કામગીરીમાં શિનોર પોલીસ સ્ટેશનના PI આર.આર. વસાવા, અ.મ.સ.ઈ. અશ્વિનસિંહ, અ.મ.સ.ઈ. રામજીભાઈ, અ.હે.કો. પરથીભાઈ તથા અ.હે.કો. ભરતભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી. શિનોર પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડી હત્યા જેવા ગંભીર ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

Share :

Leave a Comments