ભાજપના મહિલા કોર્પોરેટરના નામ-હોદ્દાના સ્ટેમ્પથી આધારકાર્ડમાં સુધારો કરનાર આરોપીની ધરપકડ

આરોપીએ કોર્પોરેટરના નામ-હોદ્દાના સિક્કાનો દુરુપયોગ કરી આધારકાર્ડમાં ચેડા કર્યા

MailVadodara.com - Accused-arrested-for-modifying-Aadhaar-card-with-name-and-position-stamp-of-BJP-woman-corporator

- સિટી પોલીસે આરોપી પરેશ કિશોર કેવલાણીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી

વડોદરાના જૂના RTO સર્કલ પાસે આવેલી દિયાનીતિ વેબ સોલ્યુશન નામની દુકાનના સંચાલકે સ્થાયીનાં સભ્ય હેમીષાબેન ઠક્કરના નામ અને હોદ્દાના સ્ટેમ્પનો દુરુપયોગ કરીને 3થી વધુ લોકોના આધારકાર્ડમાં સરનામાં સહિતના ફેરફારો કર્યાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ અંગે સિટી પોલીસ મથકમાં સંચાલક વિરુદ્ધ હેમીષાબેન ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે સિટી પોલીસે આરોપી પરેશ કિશોર કેવલાણીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતનાં સભ્ય અને ભાજપના કોર્પોરેટર હેમીષાબેન ઠક્કરની ફરિયાદ મુજબ 30 જુલાઇએ ભાજપના કાર્યકર હાર્દિક પ્રજાપતિએ જાણ કરી કે, તમારા નામ-હોદ્દાના સ્ટેમ્પનો દુરુપયોગ થાય છે. વારસિયા પોલીસ મથક સામે અને જૂના RTO સર્કલ પાસે દિયાનીતિ વેબ સોલ્યુશન દુકાનમાં પરેશ નામનો વ્યક્તિ ઓનલાઈન ડોક્યુમેન્ટ કાઢવા અને સુધારા-વધારાનું કામ કરતો હતો. હાર્દિકે તેને આધારકાર્ડમાં સરનામું બદલવા કહી પોતાની પાસે આધાર- પુરાવો નથી તેમ કહ્યું હતું. જેથી પરેશે 950 રુપિયા થશે તેમ જણાવ્યું હતું. આ અંગે તપાસ કરાવતા પરેશની દુકાને ગ્રાહકો આધારકાર્ડમાં ફેરફાર કરવા આવે અને રહેણાકના પુરાવા ન હોય તો વધુ રૂપિયા લઈ હેમીષાબેન ઠક્કરના નામ-હોદ્દાના સિક્કાનો ઓનલાઈન દુરુપયોગ કરતો હોવાનું ખૂલ્યું હતું.

જયાબેન ઠાકુરભાઈ કર્રા (એસ.કે.કોલોની,વારસિયા), નિષા મનિષ રાયચંદાણી (એસ.કે.કોલોની,વારસિયા) અને કમુબેન મુકેશ (પટેલ પાર્કના નાકે, વારસિયા)ના આધારકાર્ડના ફેરફાર કરવા હેમીષાબેનના નામ અને હોદ્દાના સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કર્યો હોવાનું ખૂલ્યું છે. સિટી પોલીસે આરોપી પરેશ કિશોર કેવલાણી (રહે. કમલપાર્ક સોસાયટી, પુજાપાર્ક સામે, વારસીયા રોડ, વડોદરા)ની ધરપકડ કરી છે.

Share :

Leave a Comments