- ભેજાબાજોએ ફરિયાદી અને તેમની પત્નીને કેનેડાના વિઝા કરાવી આપવાનો વિશ્વાસ આપી ખોટી એર ટિકિટો મોકલી કરોડોની છેતરપિંડી કરી હતી, આરોપીને કરજણ પોલીસ મથકના હવાલે કર્યો
કરજણના દંપતિને કેનેડાના વિઝા અપાવવાના નામે રૂપિયા 2.70 કરોડ પડાવી ફરાર થઇ ગયેલા ભેજાબાજની જિલ્લા પોલીસ તંત્રના પેરોલ ફર્લો સ્કવોડે આણંદથી ધરપકડ કરી કરજણ પોલીસ મથકના હવાલે કર્યો છે. કરજણ પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
કરજણ પોલીસ મથકમાં ધ્રુવ ગૌરાંગભાઇ પટેલ ( રહે. ડી/102, સુબોધનગર સોસાયટી, માંજલપુર, વડોદરા) અને અન્ય આરોપીઓએ ભેગા મળીને ફરિયાદી તથા ફરિયાદીના પત્નીને કેનેડાના વિઝા કરાવી આપવાનો વિશ્વાસ આપી ફરિયાદી પાસેથી રૂપિયા 2,70,00,900 લઇ તથા ખોટી એર ટિકિટો બનાવી ફરિયાદીને મોકલી આપી છેતરપિંડી કરી હતી. આરોપી ધવલ પટેલે ફરિયાદીના પૈસાના બદલામાં પોતાના મકાનની ટોકન પાવતી લખી આપી હતી. જોકે, આરોપી ફરીયાદીને મકાન કે પૈસા આપતો ન હતો અને ફરાર થઇ ગયો હતો. અને છેલ્લા ચાર માસથી પોલીસ ધરપકડથી બચવા છુપાઇને રહેતો હતો.
દરમિયાન પેરોલ ફર્લો સ્કવોડને બાતમી મળી હતી કે, આરોપી ધવલ પટેલ આણંદ જિલ્લા ખાતે રોકાયેલો છે. આ ચોકકસ માહિતીના આધારે પેરોલ-ફર્લો સ્કોર્ડના માણસો સાથે તાત્કાલિક તપાસમાં ગયેલા અને દરમિયાન રોક ઇન હોટલ, ઇ-સ્ટેચ્યુ,અટલ ચોક, આણંદ ખાતેથી આરોપીને શોધી કાઢી ધરપકડ કરી કરજણ પોલીસ મથકના હવાલે કર્યો હતો. કરજણ પોલીસે આરોપીનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે.