અમેરિકન બેન્કમાંથી લોન અપાવવાના નામે વેપારી સાથે 17.71 લાખની ઠગાઇ કરનાર આરોપી ઝડપાયો

ઇલોરાપાર્કમાં ઓફિસ ધરાવી સ્ટીલનો ધંધો કરતા વેપારી આદિત્ય પારેખે ફરિયાદ નોંધાવી હતી

MailVadodara.com - Accused-arrested-for-defrauding-a-businessman-of-17-71-lakh-under-the-pretext-of-securing-a-loan-from-an-American-bank

- ટેક્સાસની કથિત બેન્કમાંથી રૂા.4 કરોડની લોન અપાવવાની વાત કરી વેપારી પાસેથી રૂપિયા પડાવ્યા હતા

- લોનની રકમ નહિ આવતાં તપાસ કરતા આવી કોઇ બેન્ક જ નહિ હોવાનું ખૂલ્યું હતું

વડોદરાના વેપારીને યુએસની બેન્કમાંથી બિઝનેસ લોન અપાવવાના નામે રૂપિયા ૧૭.૭૧ લાખની ઠગાઇ આચરવાના કિસ્સામાં ગોરવા પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

ઇલોરાપાર્ક ખાતે શ્રીજી આસ્થા એવન્યૂમાં ઓફિસ ધરાવી સ્ટીલનો ધંધો કરતા વેપારી આદિત્ય પારેખે ફરિયાદમાં કહ્યું હતું કે, મેં અગાઉ ધંધા માટે લોન લીધી હોવાથી લોન અપાવનાર રાકેશ જગદીશચંદ્ર ઠાકોર (રહે. જગન્નાથપૂરમ, લાલબાગ પાસે, માંજલપુર)ને ડિસેમ્બર-૨૦૨૨માં મારી ઓફિસે બોલાવી ધંધાની પ્રગતિ માટે ફરી લોન લેવા માટે વાત કરી હતી.

રાકેશે યુએસના ટેક્સાસ ખાતેની એસડી ટીબી બેન્કમાંથી ૪ કરોડની લોન અપાવવાની વાત કરી મારી પાસે ચેકલિસ્ટ માગતા તે મુજબના દસ્તાવેજો પુરા પાડયા હતા. રાકેશે આ પેટે મારી પાસે કુલ રૂપિયા ૧૭.૭૧ લાખ લીધા હતા અને છ થી આઠ મહિનામાં લોનની રકમ આવી જશે તેમ કહ્યું હતું.

લોનની રકમ નહિ આવતાં તપાસ કરી તો આવી કોઇ બેન્ક જ નહિ હોવાનું ખૂલ્યું હતું. જેથી ગોરવા પોલીસે આ ફરિયાદને આધારે ગુનો નોંધી રાકેશકુમાર જગદીશચંદ્ર ઠાકોર (રહે. જગન્નાથ પૂરમ, લાલબાગ સામે, માંજલપુર)ની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીના રિમાન્ડ પુરા થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો હતો.

Share :

Leave a Comments