વડોદરામાંથી 3 મોટરસાઇકલની ચોરીના ગુનામાં 17 વર્ષથી ફરાર આરોપી મધ્યપ્રદેશથી ઝડપાયો

વર્ષ 2009માં ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી 3 મોટરસાયકલની ચોરી કરી ફરાર હતો

MailVadodara.com - Accused-absconding-for-17-years-in-the-crime-of-stealing-3-motorcycles-from-Vadodara-was-caught-from-Madhya-Pradesh

વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી વર્ષ 2009માં ત્રણ મોટરસાઇકલ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા 17 વર્ષથી નાસતો-ફરતો રહેલો આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ ભાચરીયા ઉર્ફે ભાપરીયા ભીલ (ઉ.વ. 45, રહે. કરચટ, તા. કુકસી, જિ. ધાર, મધ્યપ્રદેશ)ને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીએ 19 માર્ચ, 2009ના રોજ ન્યુ વીઆઇપી રોડ ખાતેની સોસાયટીમાંથી કુલ રૂ.70,000ની કિંમતની ત્રણ મોટરસાઇકલની ચોરી કરી હતી. જે અંગેનો ગુનો બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો. આ ગુનામાં સંડોવાયેલ આરોપી વેલસિંગ અગાઉ મધ્યપ્રદેશના ટાન્ડા પોલીસ સ્ટેશનમાં ચોરીની એક મોટરસાઇકલ સાથે ઝડપાયો હતો, પરંતુ વડોદરા પોલીસ ત્યાં પહોંચે તે પહેલાં તે જામીન પર મુક્ત થઈ નાસી ગયો હતો. ત્યારબાદ આરોપીની શોધખોળ હોવા છતાં તે મળી આવ્યો ન હતો, જેના કારણે તેની સામે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.


દરમિયાન વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમને ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે વધુ તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન માહિતી મળી કે, આરોપી હાલ તેના વતન કરચટ, તા.કુકસી, જિ.ધાર, મધ્યપ્રદેશ ખાતે રહે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મધ્યપ્રદેશ પહોંચી, ખાનગી રીતે વોચ ગોઠવી અને આરોપીને તેના ગામમાંથી ઝડપી લીધો હતો.

પ્રાથમિક પૂછપરછ અને ખાતરી દરમિયાન આરોપીની સંડોવણીની પુષ્ટિ થતાં તેને વડોદરા લાવવામાં આવ્યો અને વધુ તપાસ માટે બાપોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપી વેલસિંગ ઉર્ફે મેલસીગ સામે અગાઉ મધ્યપ્રદેશમાં ચોરીના વાહન સાથે ઝડપાયેલ હોવાનો ગુનો નોંધાયો છે.

Share :

Leave a Comments