વડોદરામાં ટ્રાવેલ કંપનીની રોકાણ સ્કીમમાં રૂ.70 લાખથી વધુની ઠગાઈ કેસમાં એકાઉન્ટ હોલ્ડર ઇન્દોરથી પકડાયો

છ મહિનામાં નાણાં બમણા કરવાની લાલચ આપતી ટ્રાવેલ કંપનીની સ્કીમમાં અનેક ફસાયા

MailVadodara.com - Account-holder-arrested-from-Indore-in-a-case-involving-a-fraud-of-over-70-lakh-in-a-travel-companys-investment-scheme-in-Vadodara

- ફ્લાય સ્કાય ફૂડ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકની સ્કીમમાં રોકાણ, રોકાણ કૌભાંડમાં વોન્ટેડ પ્રફુલ્લ યોગેન્દ્ર બરગાલની ઇન્દોરથી ધરપકડ કરી હરણી પોલીસને સોંપાયો

વડોદરામાં ટૂંકા ગાળા માટે રોકાણ કરાવી જંગી નફો કમાવી આપવાના નામે સ્કીમોમાં અનેક લોકોને ફસાવી ફરાર થઇ ગયેલા ટ્રાવેલ કંપનીના સંચાલક અને ટોળકી સામે ગુનો નોંધાયા બાદ પોલીસે કંપનીના એકાઉન્ટ હોલ્ડરની ઇન્દોરથી ધરપકડ કરી છે.

તરસાલી વિસ્તારમાં રહેતા અને લોન કન્સલ્ટિંગનું કામ કરતા અશોકભાઇ દૂબેનો વર્ષ-૨૦૧૭માં ટ્રાવેલ કંપનીમાં નોકરી કરતા મિત્ર અલ્હાદ ડોંગરે મારફતે ફ્લાય સ્કાય ફૂડ એન્ડ ટ્રાવેલ્સના સંચાલક નિલેશ હીરજીભાઇ ભિખડીયા (મૂળ વતની ભોપાલ અને વડોદરા તેમજ સુરતમાં ભાડાના મકાનમાં રહેતો હતો) નો સંપર્ક થયો હતો.

નિલેશે તેમની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી છ મહિનામાં નાણાં ડબલ થઇ જશે તેવી સ્કીમો બતાવી હતી.તેણે હોલી ડે પેકેજ અને ગોલ્ડ તેમજ ઓઇલના બિઝનેસની પણ વાતો કરી હતી.જેથી અશોકભાઇ અને તેમના મિત્રોએ રૃ.૭૦ લાખ ઉપરાંતની રકમનું રોકાણ કર્યું હતું.પરંતુ ત્યારબાદ ઠગ ટોળકી ફરાર થઇ જતાં વર્ષ-૨૦૨૩માં હરણી પોલીસમાં ગુનો નોંધાયો હતો.

બનાવને પગલે પોલીસે સૂત્રધાર નિલેશ ભિખડીયા અને સાગરીત ઇન્દોરના ઇશ્વર જોષીની ધરપકડ કરી હતી.જ્યારે ઠગાઇની રકમ માટે જે બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો તે ખાતું પ્રફુલ્લ યોગેન્દ્ર બરગાલ (ભાટકેડી ગામ,ઇન્દોર)ના નામે હોવાનું ખૂલતાં તેને વોન્ટેડ જાહેર કરાયો હતો.ક્રાઇમ બ્રાન્ચે તેને ઇન્દોરથી ઝડપી પાડી હરણી પોલીસને સોંપતા તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ટ્રાવેલ કંપનીના નામે લોકો પાસે ઇન્વેસ્ટમેન્ટ કરાવી છ મહિનામાં ડબલ રકમ આપવાની ખાતરી આપનાર ઠગ ટોળકીએ સુરતની ટીજીબી હોટલમાં સેમિનાર પણ યાજ્યો હતો,જેમાં હોલી ડે પેકેજ તેમજ ગોલ્ડ અને ઓઇલના બિઝનેસની વાતો કરવામાં આવી હતી.ઠગોએ વેબસાઇટ પણ બનાવી હતી અને તેનો લોગો પણ મૂક્યો હતો.જેથી તેમની જાળમાં સુરતના પણ લોકો ફસાયા હોવાનું મનાય છે.

Share :

Leave a Comments