- બાઈકને કોઈ વાહને ટક્કર મારી કે બાઈક સ્લીપ થઈ તે અંગે સ્પષ્ટતા ન થતાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે વધુ તપાસ હાથ ધરી, ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા
વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર વાઘોડિયાથી કપુરાઈ તરફના માર્ગ પર હરિયાળી હોટલ સામે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર યુવક સાથે તેના ભાઈના બે નાના બાળકો પણ હતા, ત્યારે અકસ્માતમાં ત્રણેય ફંગોળાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતા. યુવકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે.
![]()
પ્રાપ્ત વિગતો મુજબ, ભાવેશ નાયક નામનો યુવક પોતાના ભાઈના બે નાના બાળકોને બાઈક પર બેસાડીને NH-48 પરથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન અચાનક અકસ્માત સર્જાયો હતો. બાઈકને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી કે બાઈક સ્લીપ થઈ હતી, તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા કપુરાઈ પોલીસે તપાસ શરૂ કરી છે.
અકસ્માની ઘટના બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિકજામની સ્થિતિ પણ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્મામાં ભાવેશ નાયકને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળકો પણ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા છે. સમગ્ર મામલે કપુરાઈ પોલીસે અકસ્માતનું કારણ તેમજ અન્ય વિગતો અંગે વધુ તપાસ હાથ ધરી છે.


