ડેસરમાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન દુર્ઘટના, માટીની ભેખડ ધસી પડતાં બે કામદારોનાં કરૂણ મોત

ડેસર તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન દરમિયાન ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી

MailVadodara.com - Accident-during-illegal-sand-mining-in-Desar-two-workers-tragically-die-after-mud-slide

- માટીની ભેખડ અચાનક ધસી પડતાં હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારો માટી નીચે દટાઈ જતાં મોત, ઘટના બાદ ખનન માફિયાઓ ઘટનાસ્થળેથી ફરાર


વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું, ત્યારે ગત મોડી રાત્રે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. માટીની ભેખડ અચાનક ધસી પડતાં હિટાચી મશીનના ઓપરેટર અને ટ્રક કંડક્ટર સહિત બે કામદારો માટી નીચે દટાઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે.


આ અકસ્માત બાદ ખનન સાથે સંકળાયેલા લોકો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે. સ્થાનિકોમાં રોષ છે કે અહીંયા વર્ષોથી ગેરકાયદેસર રેતી ખનનની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક માટીની ભેખડ ધસી પડી હતી. જેમા લોકો દટાઈ જતા બંનેના મોત થયા છે. આ મામલાને લઈને ખનન માફિયાઓ દ્વારા આખી ઘટનાને દબાવી દેવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની પણ આક્ષેપો થઈ રહ્યા છે.


ડેસર પોલીસ દ્વારા હાલમાં બંને મૃતદેહોને ડેસર સિવિલ હોસ્પિટલ (CHC) ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ રેતી ખનન કરનાર સામે હવે તંત્ર શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું. આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી છે અને વહીવટી તંત્રની કાર્યવાહીની માગ ઊઠી છે.

Share :

Leave a Comments