પોર નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે અકસ્માત, ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકનું સારવાર મળે તે પહેલા મોત

કાયાવરોહણથી પોર તરફ જતા રસ્તા પર વહેલી સવારે ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો

MailVadodara.com - Accident-between-truck-and-eco-car-near-Por-seriously-injured-youth-dies-before-receiving-treatment

- ઇકો કાર અને એક ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત થતાં કાર ચાલક યોગેશ તડવી ફસાઈ જતા કરજણ ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો

- ઇકો કારના ચાલક યોગેશ તડવીનું મોત થતા 6 વર્ષના દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી

વડોદરા જિલ્લાના પોર ગામ નજીક કાયાવરોહણથી પોર તરફ જતા રસ્તા પર વહેલી સવારે એક ભયાનક વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં 27 વર્ષીય યુવાન યોગેશ અરવિંદભાઈ તડવીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં તેમની ઇકો કાર અને એક ડમ્પર ટ્રક વચ્ચે અથડામણ થઈ હતી. ઈકો કાર ચાલક યોગેશ ફસાઈ જતા કરજણ ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ પતરા કાપી બહાર કાઢ્યો હતો, જો કે ડ્રાઈવરનું મોત નિપજ્યું હતું.


આ ઘટનામાં મૃતક યોગેશ પોર ગામમાં તેમના પરિવાર સાથે રહેતા હતા અને પોર જીઆઈડીસીમાં નોકરી કરતા હતા. તેઓને 6 વર્ષનો પુત્ર છે. તેમના પિતા અરવિંદભાઈ રમણભાઈ તડવી જેઓ છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોલુ ગામમાં ખેતી કરીને જીવન ગુજારે છે, તેઓએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ યોગેશ તેમના મિત્ર પંકજભાઈ કાનજીભાઈ પરમારના પરિવારને તેમની ઇકો કારમાં બેસાડી વડોદરા શહેરની કર્ણાવટીમાં લગ્ન પ્રસંગમાં લઈ ગયા હતા.


લગ્ન પૂરા થયા બાદ તેઓ મિત્રના પરિવારને ટીમ્બરવા ગામે તેમના ઘરે મૂકીને પોર તરફ પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે અઢી વાગ્યાના સુમારે અણખી ગામની સીમમાં ખેતર પાસે તેમની કારને વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા (ડમ્પર) ટ્રક પુરઝડપે અને બેદરકારીથી અથડાવી હતી. અકસ્માત પછી ટ્રક ચાલક વાહનને ત્યાં જ મૂકીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણ પરિવારને કરતા પિતા ગામના અન્ય લોકો સાથે પોર પોલીસ ચોકી પહોંચ્યા અને ત્યાંથી પોર સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જ્યાં યોગેશની લાશ પોસ્ટમોર્ટમ રૂમમાં રાખવામાં આવી હતી.

અકસ્માતમાં યોગેશને ગંભીર ઈજાઓ થઈ હતી અને તેઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી યોગેશને કારના ક્ષતિગ્રસ્ત ભાગમાંથી બહાર કાઢ્યા હતા. કરજણ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકને ઈકો કારમાંથી પતરા કાપી બહાર કાઢ્યો હતો. બાદમાં તેને પોર હોસ્પિટલમાં ખસેડ્યો હતો જો કે યુવકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ મામલે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments