CNG પંપમાંથી 2.78 લાખથી વધુના સ્પેરપાર્ટ્સ, મશીનની ચોરીના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો

ક્રાઇમ બ્રાન્ચે માહિતીના આધારે આરોપીને કરચીયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી ઝડપ્યો

MailVadodara.com - Absconding-accused-arrested-for-stealing-spare-parts-and-machines-worth-over-Rs-2-78-lakh-from-CNG-pump

- આરોપી ખૈર ઉર્ફે બજરંગી ભારતીયા અગાઉ નંદેસરી, છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 2 અને અન્ય ચોરીના 4 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે

CNG પંપમાંથી 2.78 લાખથી વધુ કિંમતના સ્પેરપાર્ટ્સ અને મશીનની ચોરીના ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપી ખૈર ઉર્ફે બજરંગી મોહનભાઇ ભારતીયા (ઉ.વ. 50, રહે. કરચીયા ગામ, દરબાર ફળિયું, વડોદરા, મૂળ જૌનપુર, ઉત્તરપ્રદેશ)ની વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.


છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના પ્રમાણે આરોપીએ 27/03/2025થી 25/04/2025 દરમિયાન વડોદરા ગેસ લિમિટેડના CNG મધર પંપ (GSFC કંપની પાસે, દશરથ-કરચીયા રોડ) પર ચાર વખત ચોરી કરી હતી. આરોપીએ સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડની નજર ચૂકવી, ટોયલેટ અને બાથરૂમ જવાના બહાને પંપની ઓફિસ પાછળ ખુલ્લી જગ્યામાંથી કોમ્પ્રેસર મશીન, ફિટિંગ કેબલ્સ અને લોખંડના સ્પેરપાર્ટ્સની ચોરી કરી હતી.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે શહેરમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી માહિતીના આધારે આરોપીને કરચીયા ગામની રાજસ્થાન કોલોની પાસેથી શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધો હતો. પૂછપરછ દરમિયાન આરોપીની ગુનામાં સંડોવણી સાબિત થતાં કાયદેસર કાર્યવાહી કરી તેને છાણી પોલીસ સ્ટેશનને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે. ખૈર ઉર્ફે બજરંગી મોહનભાઇ ભારતીયા અગાઉ વડોદરાના નંદેસરી, છાણી અને જવાહરનગર પોલીસ સ્ટેશનોમાં ઘરફોડ ચોરીના 2 અને અન્ય ચોરીના 4 મળી કુલ 6 ગુનાઓમાં પકડાયેલો છે.

Share :

Leave a Comments