GCAS પોર્ટલની ખામીઓને લઈ ABVP નો ઉગ્ર વિરોધ સાથે ભારે સૂત્રોચાર, 30 કાર્યકરોની અટકાયત

રોઝરી સ્કૂલથી સેફ્રોન ટાવર સુધી રેલી સ્વરૂપે સૂત્રોચાર સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા પ્રદર્શન કરાયું

MailVadodara.com - ABVPs-strong-protest-over-GCAS-portal-flaws-heavy-sloganeering-30-activists-detained

- રજીસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવવામાં આવતા 300 રૂપિયાની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તે બંધ કરવામાં આવે અને વિધાર્થીનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ (ABVP) ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાત કોમન એડમિશન સર્વિસ (GCAS) પોર્ટલની ખામીઓ અને પોર્ટલની નિષ્ફળતા અંગે રાજ્ય સરકારને વારંવાર ધ્યાન દોરવામાં આવવા છતાં કોઈ સુધારા ન થતા આખરે આજે વિરોધ પ્રદર્શન યોજ્યું હતું.

વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ખાતે આવેલી રોઝરી સ્કૂલથી સેફ્રોન ટાવર સુધી રેલી સ્વરૂપે ભારે સૂત્રોચાર સાથે વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે બાદમાં પોલીસ આવી અને એકબાદ એક એબીવીપી કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી પોલીસ વેનમાં ભરી દીધા હતા.


આ વિરોધ પ્રદર્શનમાં એબીવીપીના 100 વધુ કાર્યકર્તાઓ જોડાયા હતા. પોલીસે 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ખાસ કરીને GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવાથી વિધાર્થીઓને મજબૂરીમાં વધારે ફી ચૂકવીને ખાનગી સંસ્થાઓમાં પ્રવેશ લેવો પડે છે. જેને કારણે રાજ્ય વિશ્વવિધાલયો અને તેની સંલગ્ન મહાવિધાલયોની સ્થિતિ દયાજનક બની છે. આ પરથી ધ્યાનમાં આવે છે કે શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીકરણના વધતા જતા ચલણથી શિક્ષણ માફિયા વિધાર્થીઓના ભવિષ્ય સાથે રમત કરી રહ્યા છે.

ABVP ગુજરાતની GCASને લઈને રાજ્ય સરકાર પાસે માંગ આ મુજબ રહી છે જેમાં ખાસ કરીને તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ કરવામાં આવે. સાથે જો ખાનગી યુનિવર્સિટીઓનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS માત્ર ડેટા એકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા એ ડિસેન્ટ્રલાઈઝ રીતે વિશ્વવિધાલયો દ્વારા હાથ ધરવામાં આવે. રજીસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવવામાં આવતા 300 રૂપિયાની રકમમાં ઘટાડો કરવામાં આવે અથવા તે બંધ કરવામાં આવે અને વિધાર્થીનીઓ માટે પ્રક્રિયા નિઃશુલ્ક બનાવવામાં આવે.

વિધાર્થી પરિષદના મહાનગર મહામંત્રી અમિત રામી જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં જીકાસને વિધાર્થીઓને પડતી મુશ્કેલીઓને લઈ આજે વિધાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અખિલ ભારતીય વિધાર્થી પરિષદના તમામ જિલ્લા કેન્દ્ર પર આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિધાર્થી પરિષદ વિધાર્થીઓના હિતમાં રોડ પર ઉતર્યું છે અને પ્રવેશ, પ્રક્રિયા અને પરીક્ષા સરળ બને તે માટે આ આંદોલન કરી રહ્યા છીએ. સાથે કાળી પટ્ટી ધારણ કરી જીકાસ પોર્ટલ પર રહેલ ખામીઓ દૂર થાય તે માટે વિરોધ નોંધાવ્યો છે.

Share :

Leave a Comments