- યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લેવાયેલો ફી વધારાનો નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી
વડોદરા MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં તાજેતરમાં કરવામાં આવેલા અસહ્ય ફી વધારાના વિરોધમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે ભારે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અગાઉ પણ વિદ્યાર્થી સંગઠનોએ આ બાબતે રજૂઆત કરી છે.

ABVP દ્વારા માંગ કરવામાં આવી છે કે, સામાન્ય વર્ગના વિદ્યાર્થીઓના હિતને ધ્યાને રાખીને આ અન્યાયી ફી વધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ સાથે કાર્યકર્તાઓએ વીસી ઓફિસનો ઘેરાવ કર્યો હતો, સાયન્સ ફેકલ્ટીમાં 28 ટકા જેટલો ફી વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જે વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારે છે. આ બાબતે ABVP દ્વારા સાયન્સ ફેકલ્ટીના ડીનને રૂબરૂ મળીને રજૂઆત કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓની સમસ્યાથી માહિતગાર કરાયા હતા. પરંતુ, ત્યાંથી કોઈ યોગ્ય કે હકારાત્મક પ્રતિસાદ ન મળ્યો હતો.
ત્યારબાદ આજે ABVPએ હેડ ઓફિસ ખાતે સીધી વીસી ઓફિસમાં જઈને ઉગ્ર રજૂઆત કરી હતી. આજના પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં ABVPના કાર્યકર્તાઓ હેડ ઓફિસ ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ABVPના ભારે વિરોધ પ્રદર્શન અને ઉગ્ર રજૂઆતના પગલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એક્શનમાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓના આક્રોશને જોતાં વીસી દ્વારા તાત્કાલિક સાયન્સ ફેકલ્ટીના ડીનને વીસી ઓફિસ ખાતે બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ વીસી અને સાયન્સ ડીન વચ્ચે આ ફી વધારાના મુદ્દે ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને વિદ્યાર્થી પાંખે સ્પષ્ટ શબ્દોમાં સત્તાધીશોને ચેતવણી આપી છે કે યુનિવર્સિટી પ્રશાસન દ્વારા લેવાયેલો ફી વધારાનો નિર્ણય જો પાછો ખેંચવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


