બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના વિરોધમાં આપ પાર્ટીએ કાળી પટ્ટી બાંધી દેખાવો કર્યા

વડોદરામાં આપ પાર્ટીના શહેર કાર્યાલય બહાર કાર્યકરોએ ભાજપ-પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા

MailVadodara.com - AAP-party-wears-black-armbands-to-protest-clash-between-farmers-and-police-in-Botad

- આગામી દિવસોમાં ખેડૂતોના સમર્થનમાં મહાપંચાયત યોજવાની જાહેરાત પણ કરાઇ


વડોદરામાં આમ આદમી પાર્ટી (AAP) દ્વારા બોટાદમાં ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા ઘર્ષણના વિરોધમાં કાળી પટ્ટી બાંધીને દેખાવો કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીના શહેર કાર્યાલય બહાર ભેગા થયેલા કાર્યકરોએ ભાજપ અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કલ લડેંગે ગોરો સે, આજ લડેંગે ચોરો સે, ન્યાય આપો ન્યાય આપો ખેડૂતોને ન્યાય આપોના સુત્રોચારો કર્યા હતા. આ ઉપરાંત આગામી દિવસોમાં ખેડૂતોના સમર્થનમાં મહાપંચાયત યોજવાની જાહેરાત પણ કરવામાં આવી છે.


આમ આદમી પાર્ટીના વડોદરા લોકસભા ઇન્ચાર્જ વિરેન રામીએ જણાવ્યું હતું કે, આજે અમે વડોદરા શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા કાળી પટ્ટી બાંધીને વિરોધ પ્રદર્શન કર્યું છે, કારણ કે ખેડૂતો પર થઈ રહેલા અત્યાચાર સામે અમે કાળો દિવસ મનાવી રહ્યા છીએ. ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા પોલીસને આગળ રાખીને ખેડૂતોના અવાજને દબાવવાની દમનકારી નીતિ અપનાવવામાં આવી રહી છે. ખેડૂતોને તેમના હક અને ન્યાય માટે રસ્તા પર ઉતરવું પડે છે, પરંતુ તેમના આંદોલનને દબાવવામાં આવે છે.

વધુમાં ઉમેર્યું કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં હડદડ ગામના ખેડૂતો એકત્ર થઈને પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કેટલાક બુટલેગરોએ માહોલને ઉશ્કેર્યો અને મહાપંચાયત પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. પોલીસે અશ્રુગેસના ગોળા છોડ્યા, ખેડૂતોને-વૃદ્ધોને ઘરમાંથી ખેંચીને દરવાજા તોડીને માર મારવામાં આવ્યો. આ ગુજરાતના ઇતિહાસમાં કાળો દિવસ છે.

આજે અમે આ ઘટનાને કાળા દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ અને તંત્રને સ્પષ્ટ સંદેશ આપવા માંગીએ છીએ કે જ્યારે પણ ખેડૂતો સાથે અન્યાય થશે, ત્યારે આમ આદમી પાર્ટી રસ્તા પર ઉતરશે અને કાળો દિવસ મનાવશે.

Share :

Leave a Comments