- પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક યુવક ગઇકાલે સાઇકલ લઈને કેનાલ પાસે આવેલી સાઇકલની દુકાને જઇને દુકાનવાળા કાકાને કહ્યું કે, હું પડું છું જોજો અને સીધો દોટ મૂકીને કેનાલ પાસે ગયો અને ત્યાં બહાર મોબાઈલ અને હેન્ડગ્લોવ્સ કાઢી અંદર પડી ગયો હતો
- યુવકના પિતાએ કહ્યું કે, યુવકને ચામડીની બીમારી હતી, જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી જોકે કોઈ ફરક ન પડતા તે કંટાળી ગયો હતો જેના કારણે તેને આ પગલું ભર્યું છે

વડોદરા જિલ્લાના પાદરા પાસે મહલી કેનાલમાં ગઇકાલે (15 માર્ચ) કૂદીને યુવાને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાસ્થળે તાત્કાલિક પહોંચેલી મકરપુરા GIDC ફાયર સ્ટેશનની ટીમે માત્ર એક કલાકની જહેમત બાદ યુવકના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ડભાસા ગામનો રહેવાસી અતુલભાઈ રવજીભાઈ ઠાકોર (ઉંમર 25 વર્ષ) મહલી કેનાલમાં ડૂબી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા અને તુરંત જ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં જ GIDC ફાયર સ્ટેશનના સબ ઓફિસર જયદાન બારહટ અને સર સૈનિક વિપુલ સાધુ સહિતની ટીમ બોટ તથા એમ્બ્યુલન્સ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.
ફાયર બ્રિગેડની ટીમે તુરંત જ કેનાલમાં બોટ ઉતારીને શોધખોળ શરૂ કરી હતી. એક કલાકના સમયગાળામાં યુવાનનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો હતો અને તેને પાદરા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. પોલીસ મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે છેલ્લા પાંચ-છ દિવસથી મૃતક યુવક સતત એવું જ કહેતો હતો કે, હું આજે કેનાલમાં પડીને મરી જઈશ, એ દિવસે એ સાઇકલ લઈને સાઈકલવાળા કાકાની દુકાન પાસે ગયો હતો. એ દુકાન કેનાલની બિલકુલ બાજુમાં જ છે. ત્યાં તેણે કાકાને કહ્યું કે હું પડુ છું જોજો અને સીધો દોટ મૂકીને કેનાલ પાસે ગયો અને ત્યાં બહાર મોબાઈલ અને હેન્ડગ્લોવ્સ કાઢી અંદર પડી ગયો હતો. આ સમગ્ર ઘટના સાઇકલની દુકાનવાળા કાકાએ જોઈ હતી અને યુવકને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો અને બૂમાબૂમ કરી હતી, પણ યુવક નદીમાં કૂદી ગયો હતો અને તેનું મોત થયું હતું.
પોલીસ પૂછપરછમાં મૃતક યુવકના પિતાએ કહ્યું હતું કે, યુવકને ચામડીની બીમારી હતી, જેની ઘણા સમયથી સારવાર ચાલી રહી હતી. જોકે કોઈ ફરક ન પડતા તે કંટાળી ગયો હતો. જેના કારણે તેને આ પગલું ભર્યું છે.


