ટ્રેનના એસી કોચમાં બેસી પરિવારના સભ્યો સાથે ઉજ્જૈન જતી યુવતીના માથા નીચેથી રોકડ સહિતની મત્તા મૂકેલું પર્સ કોઇ ગઠિયો રાત્રે ઉઠાવી ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ મુંબઇના ચેમ્બુર વિસ્તારમાં સહકારનગરમાં રહેતા મોહન પાર્થ સારથી પરિવારના સભ્યો સાથે મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી ઇન્દોર સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં બેસી ઉજ્જૈન જવા માટે નીકળ્યા હતાં. રાત્રિ મુસાફરી હોવાથી તેઓ ટ્રેનમાં ઊંઘી ગયા હતાં.
તેમની પુત્રીએ પોતાનું કાળા રંગનું પર્સ માથા નીચે મૂક્યું હતું. વહેલી સવારે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશન પર આવતા પુત્રીની આંખ ખૂલી તો માથા નીચેથી પર્સ ગાયબ હતું. આ પર્સમાં આઇફોન, રોકડ, ઇયર બડ્સ, ચાર્જર સહિત કુલ રૂા.૭૬,૭૬૦ની મત્તા હતી. આ અંગે રેલવે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


