- ચોરી થયેલી બેગમાં લેપટોપ, ટેબલેટ, પેન ડ્રાઇવ, મનીપર્સ તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વિવિધ બેંકોના એટીએમ કાર્ડ સહિત રૂ.48,999ની મત્તા હતી
વડોદરા રેલવે સ્ટેશન પરથી દાદર જવા નીકળેલા એક મુસાફરની પીઠુબેગ ટ્રેનના જનરલ કોચમાંથી અજાણ્યા ચોરે નજર ચૂકવી ચોરી કરી લઈ જતાં રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. ચોરી થયેલી બેગમાં લેપટોપ, ટેબલેટ, પેન ડ્રાઇવ તેમજ મહત્વના દસ્તાવેજો અને બેંકના એટીએમ કાર્ડ સહિત રૂ.48,999ની મત્તા હતી.
આજવા રોડ પર આવેલ વૈભવનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા નયન ખંડુભાઈ સિંદેએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ તા. 28 મે 2026ના રોજ વડોદરાથી દાદર જવા માટે ટ્રેન નં. 12928 એકતાનગર-દાદર એક્સપ્રેસમાં મુસાફરી કરી રહ્યા હતા.
રાત્રે આશરે 10.55 વાગ્યે ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. 3 પરથી ઉપડ્યા બાદ તેઓ જનરલ કોચમાં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની કાળા રંગની બેગ ઉપરની સીટ પર મુકેલી હતી. થોડીવાર બાદ બેગ તપાસતા તે સ્થળ પરથી ગાયબ હોવાનું જાણવા મળ્યું હતું. મુસાફરે કોચમાં તેમજ આસપાસ શોધખોળ કરી હતી, પરંતુ બેગ મળી આવી નહોતી. જેથી કોઈ અજાણ્યા શખસે નજર ચૂકવી બેગની ચોરી કરી નાસી ગયો હોવાનું સામે આવ્યું હતું.
ચોરી થયેલી બેગમાં લેપટોપ, ટેબલેટ, પેન ડ્રાઇવ, મનીપર્સ તેમજ આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને વિવિધ બેંકોના એટીએમ કાર્ડ સહિત રૂ.48,999ની મત્તા હતી. બનાવ અંગે ફરિયાદના આધારે પોલીસે દુનો નોંધી અજાણ્યા ચોરને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે.


