- મૃતક ફૈઝાનના લગ્ન માત્ર છ મહિના પહેલાં જ થયા હતા, તેની પત્ની હાલ ગર્ભવતી છે
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા રહેમતનગર, મનસૂરી કબ્રસ્તાન પાસે રહેતા 25 વર્ષીય યુવક ફૈઝાન મુબીન શેખનું રાત્રે નશીલા પદાર્થનું સેવન કર્યા બાદ મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારના જણાવ્યા અનુસાર, ગત રાત્રે ફૈઝાને ઘરે નશો કર્યા બાદ સૂઈ ગયો હતો. સવારે તે પથારીમાંથી ન ઉઠતા તેના પિતાએ અને અન્ય લોકોએ તેને ઉઠાવી તાત્કાલિક તેને સરકારી સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની સારવાર થાય તે પહેલા જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ યુવકે નશીલા પદાર્થનું સેવન કર્યું હોવાથી તેના પિતા ગંભીર સ્થિતિમાં સયાજી હોસ્પિટલમાં ખસેડે છે ત્યારે તેને લાવતી વખતે યુવકના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતું તેમજ શરીર પર લાલ ચામઠાં (લાલ ડાઘ) જોવા મળ્યા હોવાનું સામે આવ્યું છે. મૃતક ફૈઝાનના લગ્ન માત્ર છ મહિના પહેલાં જ થયા હતા. તેની પત્ની હાલ ગર્ભવતી છે, જેની જાણ થતાં પરિવારમાં ભારે આઘાત સર્જાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ફૈઝાન ગત કેટલાક સમયથી નશીલા પદાર્થોનું સેવન કરતો હતો. તે છૂટક મંડપનું કામ કરતો હતો, જ્યારે તેના પિતા રિક્ષા ચલાવે છે. આ મામલે કુંભારવાડા પોલીસ સ્ટેશને વધુ તપાસ હાથ ધરી છે.


