વારસિયામાં રાત્રે સામાન્ય બોલાચાલી બાદ યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો, ત્રણ શખ્સો સામે ફરિયાદ

મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

MailVadodara.com - A-young-man-was-fatally-attacked-with-a-paddle-after-a-minor-altercation-at-night-in-Warsia

- ઇજાગ્રસ્ત યુવક હાલ એસ.એસ.જી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે. આ મામલે વારસિયા પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં મોડી રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવક પર ચપ્પુ અને ગડદાપાટુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઇજાગ્રસ્ત યુવક હાલ એસ.એસ.જી હોસ્પિટલના ઇમર્જન્સી વોર્ડમાં સારવાર હેઠળ છે. આ મામલે વારસિયા પોલીસે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, વારસિયા વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીમાં રહેતા અને છૂટક મજૂરી કરતા રોહીત રામઅવતાર શર્મા ગત રાત્રે સાડા દસેક વાગ્યાની આસપાસ તેમના મિત્ર હેરી ઉર્ફે હિમાંશુના ઘરે ગયા હતા. ત્યારબાદ રાત્રે સાડા બારેક વાગ્યે રોહીત શર્મા પોતાની જ્યુપીટર મોપેડ પર અને હેરી તેની ફોર વ્હીલર ગાડી લઈને બહાર જમવા માટે નીકળ્યા હતા. તેઓ જ્યારે હરી સેવા સ્કૂલ પાસે પહોંચ્યા, ત્યારે પાછળથી યશ ચાવલા નામનો શખ્સ પોતાની સફેદ કલરની ફોર વ્હીલર ગાડી લઈને આવ્યો હતો અને તેમને રસ્તામાં રોક્યા હતા.

યશ ચાવલાએ હેરી ઉર્ફે હિમાંશુ સાથે બોલાચાલી શરૂ કરી હતી. થોડીવારમાં હેરી ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી ગયો હતો, પરંતુ યશ ચાવલાએ રોહીત શર્માને ત્યાં જ રોકી રાખ્યો હતો. યશ ચાવલાએ રોહીતને પકડી રાખી ગાળાગાળી કરી હતી. આ દરમિયાન તેની સાથે આવેલા રોહિત મારવાડી નામના શખ્સે ચપ્પુ વડે હુમલો કરીને રોહીત શર્માને ડાબા હાથ પર, છાતીના ભાગે તેમજ જમણા હાથના કાંડા પર ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે તેમની સાથેના ત્રીજા શખ્સ રણજીત રાજપૂતે રોહીત સાથે છૂટા હાથે મારપીટ કરી હતી. હુમલો કર્યા બાદ આ ત્રણેય શખ્સો ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.

હુમલાનો ભોગ બનેલ રોહીત શર્મા જેમ-તેમ કરીને પોતાના મિત્ર હેરીના ઘરે પહોંચ્યો હતો. જ્યાં હેરીએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને ફોન કરીને તેને સારવાર અર્થે એસ.એસ.જી હોસ્પિટલ ખસેડ્યો હતો. હાલમાં યુવકની સારવાર ચાલી રહી છે અને પોલીસે આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments