વેમાલીમાં લગ્ન પ્રસંગ દરમિયાન 4 વર્ષ જૂની અદાવતમાં યુવક પર જીવલેણ હુમલો, આરોપીની શોધખોળ શરૂ

મોપેડની ડીકીમાંથી ચપ્પુ કાઢી પેટમાં ઘા મારતા લગ્ન પ્રસંગમાં ભાગદોડ મચી ગઈ

MailVadodara.com - A-young-man-was-fatally-attacked-during-a-wedding-function-in-Vemali-over-a-4-year-old-enmity-search-for-the-accused-has-begun

- પૈસાની લેવડદેવડના જૂના વિવાદમાં કરણ રાઠોડિયાએ સંદિપ પર હુમલો કર્યાનો પરિવારનો આક્ષેપ

- સયાજી હોસ્પિટલ બાદ ઇજાગ્રસ્તને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરા નજીક વેમાલી ગામમાં રાત્રે લગ્નના વરઘોડામાં જૂના ઝઘડાની અદાવતમાં એક યુવાન પર ચપ્પુના ધારદાર ઘા મારી હત્યાનો પ્રયાસ કરી હુમલાખોર ભાગી ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વેમાલી ગામમાં તળાવ પાસે રહેતો સુનિલ ડાહ્યાભાઇ રાઠોડિયા ગઇરાત્રે અંબે રેસિડેન્સીની બાજૂમાં આરઓ પ્લાન્ટ પાસે ગામમાં રહેતા સંદિપ ઠાકોર પરમારના લગ્નનો વરઘોડો નીકળ્યો હોવાથી તેના મિત્રો સાથે જોવા ગયો હતો. તેઓ જ્યાં ઊભા હતા તેની સામેની સાઇડ પર મોપેડ લઇને ઊભેલા કરણ રમેશભાઇ રાઠોડિયાએ સંદિપને બૂમ મારી બોલાવ્યો હતો.

સંદિપ વરઘોડામાંથી સામેની સાઇડ પર જતા જ કરણે મોપેડની ડીકીમાંથી ધારદાર ચપ્પુ કાઢી સંદિપના પેટમાં મારી દેતા વરઘોડામાં નાસભાગ મચી ગઇ હતી અને લોકો ભેગા થઇ ગયા હતાં. આ વખતે કરણ ચપ્પુ મોપેડની ડીકીમાં મૂકી તે હાઇવે તરફ ભાગી ગયો હતો. ઇજાગ્રસ્ત સંદિપને પ્રથમ એસએસજી હોસ્પિટલ અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો છે. આ અંગે ઇજાગ્રસ્ત સંદિપના ભાઇ મનિષે કરણ સામે મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ચાર વર્ષ પહેલા કરણનો મારા મામા મેલાભાઇ સાથે પૈસાની લેવડદેવડ બાબતે ઝઘડો થતાં મારા મામાને સંદિપે બચાવ્યા હતાં જેથી તેની અદાવત રાખી કરણે સંદિપ પર હુમલો કર્યો છે.

Share :

Leave a Comments