કારેલીબાગમાં ઉછીના 2 હજાર પરત માંગતા યુવક પર છરીથી હુમલો, હાથની નસ કાપતાં હોસ્પિટલ ખસેડાયો

ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા ઉશ્કેરાયેલા યુવકે ઝપાઝપી બાદ ઘાતક હુમલો કર્યો

MailVadodara.com - A-young-man-was-attacked-with-a-knife-in-Karelibagh-demanding-return-of-Rs-2000-borrowed-money

- હોટલ બહાર થયેલી બોલાચાલી બાદ આરોપીએ ઘરેથી છરી લાવી હુમલો કર્યો હતો

- ઇજાગ્રસ્ત યુવકને પહેલા સયાજી હોસ્પિટલ અને બાદમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગતા યુવક પર છરીથી હુમલો કરવામાં આવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઇજાગ્રસ્ત યુવકને હાથમાં ગંભીર ઇજા થતાં પહેલા એસએસજી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કારેલીબાગના કાસમ આલા કબ્રસ્તાન નજીક શ્રીનાથ પેટ્રોલ પંપ પાસે રહેતા સાજીદ જાવેદઅલી પઠાણ (ઉ.વ.20) મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 27 મેના રોજ બપોરે તેઓ કાસમ આલા વિસ્તારમાં આવેલી કબીર હોટલ ખાતે જમવા ગયા હતા. જમ્યા બાદ હોટલ બહાર બેઠા હતા, ત્યારે મહોલ્લામાં રહેતો સોહેબ બુંદુખાન પઠાણ ત્યાં આવ્યો હતો. વાતચીત દરમિયાન સાજીદે અગાઉ ઉછીના આપેલા રૂ.2 હજાર પરત માંગતા સોહેબ ઉશ્કેરાઈ ગયો હતો.

આક્ષેપ મુજબ સોહેબે ગાળો બોલી ઝપાઝપી શરૂ કરી સાજીદના જમણા હાથના અંગૂઠા પર બટકું ભર્યું હતું. બાદમાં તે પોતાના ઘરેથી છરી લઈને આવ્યો હતો અને હુમલો કરતા સાજીદના જમણા હાથના કાંડા પાસે બે ઘા માર્યા હતા. ઇજાના કારણે ભારે લોહી વહેતા સાજીદને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરે હાથની નસ કપાઈ હોવાનું જણાવ્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે. ઘટના અંગે સાજીદ પઠાણે સોહેબ બુંદુખાન પઠાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments