વડોદરામાં ચાલતા જતાં યુવકને ચક્કર આવતા ડ્રેનેજ માટે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં ખાબક્યો

બેદરકાર પાલિકા તંત્રએ ખોદેલા ખાડાની ફરતે યોગ્ય બેરિકેડિંગ ન કર્યું હોવાની વધુ એક ઘટના

MailVadodara.com - A-young-man-fell-into-a-10-foot-deep-pit-dug-for-drainage-in-Vadodara-after-feeling-dizzy-while-walking

- ખાડા ફરતે લગાવેલા પતરા વચ્ચેથી યુવાન ખાડામાં ગરકાવ થતાં લોકોએ બહાર કાઢ્યો

- ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આવા ખુલ્લા ખાડાઓ તાત્કાલિક પૂરવા માગ 


વડોદરા શહેરમાં ડ્રેનેજ અને પાણીના કામો માટે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ખોદકામની બેદરકારી ફરી એકવાર સામે આવી છે. જૂના પાદરા રોડ પર રાજેશ ટાવર નજીક ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા એક ખાડામાં એક યુવાન ચક્કર આવતા ખાડામાં ખાબક્યો હતો. આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં યુવાન ખાડામાં ગરકાવ થતો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સ્થાનિક લોકોએ ચોમાસામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં આવા ખુલ્લા ખાડાઓ તાત્કાલિક પૂરવાની માગ કરી છે.

વડોદરા પાલિકા દ્વારા શહેરમાં ચાલતી વિવિધ કામગીરી હેઠળ નાના-મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને તેની ફરતે કામચલાઉ આડશો ઊભી કરવામાં આવી છે. જોકે, રાજેશ ટાવર પાસે બનેલી આ ઘટનાએ આ આડશો કેટલી અસુરક્ષિત છે તેની સાબિતી આપી દીધી છે.


પાલિકા દ્વારા ખોદવામાં આવેલા ખાડાની આડશ પાસેથી એક યુવાન પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અચાનક તેને ચક્કર આવતાં તે ખાડા તરફ લપસી પડ્યો. ખાડા ફરતે લગાવેલા પતરા વચ્ચે બાંધેલી પટ્ટી તૂટી જતાં યુવાન સીધો ખાડામાં ગરકાવ થઈ ગયો. આ ઘટના બનતાં જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા અને યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયો. સદભાગ્યે, યુવાનને કોઈ ગંભીર ઈજા થઈ નથી.

રાજેશ ટાવર રોડ પર પાલિકા દ્વારા ડ્રેનેજ લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે, પરંતુ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોવા છતાં મોટાભાગની કામગીરી હજી અધૂરી છે. હવે આ મામલે તંત્ર દ્વારા બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ શું પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. નાગરિકોની સલામતી માટે આવા ખુલ્લા અને અસુરક્ષિત ખાડાઓ તાત્કાલિક પૂરી દેવાય તે અત્યંત જરૂરી છે.

Share :

Leave a Comments