શિનોરના સાધલી ગામ પાસે રોડ ઉપર સૂતેલા કૂતરા સાથે બાઇકચાલક ભટકાતાં યુવકનું મોત

શિનોર તાલુકાના અવાખલનો રહેવાસી અલ્પેશ પટેલ સાધલી ગામમાં ગ્રાફિક્સનું કામ કરતો હતો

MailVadodara.com - A-young-man-died-after-a-biker-ran-over-a-dog-lying-on-the-road-near-Sadhli-village-in-Shinor

- બે દિવસ પહેલા એક શાળાના ગ્રાફિક્સ બનાવી રાત્રે 1 વાગ્યે ઘરે જતા સમયે અકસ્માત થયો

- ઇજાગ્રસ્ત યુવાનને સેગવા ખાનગી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામ પાસે રોડ ઉપર સૂતેલા કૂતરા સાથે બાઇકચાલક ભટકાતાં ઇજાગ્રસ્ત યુવાનનું મોત નિપજ્યું. બે દિવસ પહેલા એક શાળાના ગ્રાફિક્સ બનાવી રાત્રે 1 વાગ્યે ઘરે જતા સમયે અકસ્માતનો ભોગ બન્યા હતા. હાલ આ ઘટનાના CCTV સામે આવ્યા છે. અકસ્માતમાં મોતને ભેટેલ યુવાન અવાખલના રહેવાસી હતા અને સાધલી ગામમાં ગ્રાફિકનું કામ કરતા હતા. જોકે, પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી.


શિનોર તાલુકાના અવાખલ ગામના રહેવાસી અલ્પેશભાઇ ભાઇલાલભાઇ પટેલ ગાયત્રી સાધલી ગામમાં ગ્રાફિકસનું કામ કરતા હતા. સાંજના એક શાળાના કાર્ડના ગ્રાફિક માટે આવ્યા હતા અને મોડી રાત્રે પોતાની બાઇક લઇને પોતાના ઘરે અવાખલ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન સાધલી પેટ્રોલ પંપની સામે રસ્તા પર સૂતેલા કૂતરા સાથે બાઇક ભટકાતાં નીચે પડી ગયા હતા અને બેભાન થઇ ગયા હતા.


આ ઘટના બનતાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તે સાથે બનાવની જાણ કુટુંબીને થતાં તેઓ પણ સ્થળ ઉપર દોડી ગયા હતા અને તેઓને રાત્રે જ સેગવા ખાનગી દવાખાનામાં લઇ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વડોદરા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહી તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ બનાવ અંગે પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી. આ બનાવે અવાખલ અને સાધલી ગામમાં ગમગીની ફેલાવી દીધી છે.

Share :

Leave a Comments