- પરિવારને વળતર નહીં મળતા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર, કોન્ટ્રાક્ટર આવતો નથી
વડોદરાના આજવા રોડ રામદેવ નગરમાં ડોક્ટરનું મકાન તોડવાની મજૂરી કામ પર ગયેલા શ્રમજીવી યુવકનું ૯ ફૂટ ઊંચાઇએથી નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થતા પરિવારજનોએ કરેલી વળતરની માગણી નહીં સ્વીકારાતા મૃતહેદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે.
બાપોદ ભવન પાર્ટી પ્લોટ - ૧ પાસે ઝૂંપડામાં રહેતો બહાદુર ગલીયાભાઇ કંટારા (ઉં.વ.૨૯) સવારે સવા દશ વાગ્યે આજવા રોડ રામદેવ નગરમાં એક મકાન તોડવાનું કામ કરવા માટે ગયા હતા. મકાન તોડતા સમયે એકાએક સ્લેબ ધરાશાયી થતા તેે ૯ ફૂટ ઉંચાઇએથી નીચે પટકાતા માથા, છાતી અને પગ પર ગંભીર ઇજા થતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનો દ્વારા કોન્ટ્રાક્ટર અને મકાન માલિક પાસે વળતરની માગણી કરવામાં આવી હતી. પરંતુ, તેઓની માગણી નહીં સ્વીકારાતા તેમણે સયાજી હોસ્પિટલમાંથી મૃતદેહ લઇ જવાનો ઇન્કાર કર્યો હતો. મૃતકના ભાઇનું કહેવું છે કે, બાપોદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અમને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. કોન્ટ્રાક્ટર પણ દેખાતો નથી, મકાન માલિક સાથે અમારી વાતચીત થઇ રહી છે. મારા ભાઇને એક નાનો છોકરો અને પત્ની છે. તેના ઘરમાં કમાણી કરનારૂં બીજું કોઇ નથી. તેના પરિવારના ભરણ પોષણ માટે રકમ આપવા માટે કોઇ આગળ આવતું નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ દિવસમાં ચોથા શ્રમજીવીનું મોત થયું છે. મકાનના કામમાં શ્રમજીવીઓની સલામતી પ્રત્યે કોન્ટ્રાક્ટર અને બિલ્ડરો કોઇ ધ્યાન આપતા નથી. જેના કારણે ગરીબ શ્રમજીવીઓને જીવ ખોવાનો વારો આવે છે. પોલીસ પણ સમાધાનનું વલણ અપનાવી આવી ગંભીર બેદરકારી પ્રત્યે ગુનો દાખલ કરવાનું ટાળે છે. બહાદુર કંટારાના મોતમાં પોલીસ હજી સમાધાન માટે પ્રયાસો કરી રહી છે.


