ગોરવામાં નોકરી કરતી મહિલાએ પતિના સતત વહેમ, શંકા અને મારપીટથી ત્રસ્ત થઇ અભયમની મદદ માંગી

અભયમ ટીમે કાઉન્સેલિંગ કરી પતિને સમજાવતા પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી

MailVadodara.com - A-woman-working-in-Gorwa-distressed-by-her-husbands-constant-suspicions-suspicions-and-beatings-sought-help-from-Abhayam

- પતિના વહેમ અને સતત દેખરેખથી કંટાળેલી મહિલાની ફરિયાદ બાદ કાઉન્સેલિંગમાં પતિએ ભૂલ સ્વીકારી ભવિષ્યમાં મારપીટ નહીં કરવાની બાહેંધરી આપી હતી

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતી એક મહિલાએ પતિના સતત વહેમ, દેખરેખ અને મારપીટથી કંટાળી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. સ્થળ પર પહોંચેલી અભયમ ટીમે બંને પક્ષનું કાઉન્સેલિંગ કરીને પતિને સમજાવતા તેણે પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી હતી તેમજ ભવિષ્યમાં નોકરી કરવા નહીં રોકે અને મારપીટ નહીં કરે તેવી બાહેંધરી આપતા દંપતી વચ્ચે સમાધાન થયું હતું. 

પ્રાપ્ત માહિતી મુજબ ગોરવા વિસ્તારમાં રહેતી મહિલા ખાનગી ટેલિકોમ કંપનીમાં નોકરી કરે છે જ્યારે તેનો પતિ વોચમેન તરીકે કામ કરે છે. દંપતીને એક પુત્ર છે. મહિલાના જણાવ્યા મુજબ પતિ તેના પર સતત શંકા રાખતો હતો. પાડોશીઓ સાથે વાતચીત કરવા જાય કે કોઈના ઘરે જાય તો કોને મળવા ગઈ હતી તે અંગે પૂછપરછ કરી મારપીટ કરતો હતો. મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે પતિ નોકરીએ જતાં પહેલાં પણ પાડોશીઓને પત્ની પર નજર રાખવા કહેતો હતો. એટલું જ નહીં, મહિલા ઓફિસે જાય ત્યારે પણ તેનો પીછો કરીને ઓફિસ સુધી પહોંચી જતો હતો. પતિ વારંવાર પત્ની પર અન્ય પુરુષો સાથે સંબંધ હોવાની નિરાધાર શંકા વ્યક્ત કરી નોકરી કરવા માટે પણ ના પાડતો હતો.

181 અભયમની ટીમે પતિ સાથે વાતચીત કરતાં તેણે સ્વીકાર્યું કે તેની પાસે કોઈ પુરાવો નથી, પરંતુ તેને પત્ની પર શંકા થાય છે. ટીમે પતિને સમજાવ્યું કે માત્ર વહેમના આધારે પત્ની સાથે મારપીટ કરવી યોગ્ય નથી અને આવા વર્તનથી પારિવારિક વિવાદ વધુ ગંભીર બની શકે છે. કાઉન્સેલિંગ દરમિયાન પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્ની પાસે માફી માંગી હતી. સાથે જ ભવિષ્યમાં પત્નીને નોકરી કરવા નહીં રોકે અને મારપીટ નહીં કરે તેવી ખાતરી આપી હતી. અંતે અભયમ ટીમે બંને પતિ-પત્નીનું કાઉન્સેલિંગ કરીને સફળતાપૂર્વક સમાધાન કરાવ્યું હતું.

Share :

Leave a Comments